Get The App

કચ્છના અખાતની સુરક્ષા : પહેલગામ હુમલાના પગલે કોસ્ટ ગાર્ડ કમાન્ડરે વાડીનારમાં ઓપરેશનલ તૈયારીઓની સઘન સમીક્ષા કરી

Updated: May 3rd, 2025

GS TEAM

Google News
Google News
કચ્છના અખાતની સુરક્ષા : પહેલગામ હુમલાના પગલે કોસ્ટ ગાર્ડ કમાન્ડરે વાડીનારમાં ઓપરેશનલ તૈયારીઓની સઘન સમીક્ષા કરી 1 - image


Jamnagar : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના ગંભીર બનાવના પગલે, દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, ખાસ કરીને સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે, કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ (ઉત્તર ગુજરાત) ના કમાન્ડર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનજીતસિંહ ગિલે તારીખ 02 મે 2025 ના રોજ વાડીનાર સ્થિત ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને ત્યાં તૈનાત વિવિધ યુનિટ્સની મુલાકાત લઈને તેમની ઓપરેશનલ તૈયારીઓની સઘન સમીક્ષા કરી હતી.

ડીઆઈજી મનજીતસિંહ ગિલની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં દરિયાઈ સીમાની સુરક્ષા વ્યવસ્થા અને જવાનોની સજ્જતા ચકાસવાનો હતો. વાડીનાર, જે કચ્છના અખાતના સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે, તેની સુરક્ષા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે.

મુલાકાત દરમિયાન, કમાન્ડેરે કોસ્ટ ગાર્ડ સ્ટેશન વાડીનાર ખાતે તૈનાત તરતા જહાજો (એફ્લોટ યુનિટ્સ) અને દરિયા કિનારા પર કાર્યરત યુનિટ્સ (શોર યુનિટ્સ) ની મુલાકાત લીધી હતી. તેમણે યુનિટ્સની કાર્યક્ષમતા, ઉપલબ્ધ સુરક્ષા સાધનો, સ્ટાફની તાલીમ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટેની તેમની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જવાનો સાથે સીધી વાતચીત કરીને તેમણે તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે સતર્ક રહેવા સૂચનો આપ્યા હતા. 

આ મુલાકાત દરમિયાન, ડીઆઈજી મનજીતસિંહ ગિલે ખંભાળિયાના જિલ્લા કલેક્ટર રાજેશ.એમ.તન્ના (ટી.એ.એસ.) સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે કચ્છના અખાતના દરિયાઈ વિસ્તારની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ, સંભવિત જોખમો અને તેને પહોંચી વળવા માટે કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પ્રશાસન વચ્ચેના સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા માટે સંયુક્ત પ્રયાસો અને માહિતીના આદાનપ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Tags :