'પોલીસની મીઠી નજર હેઠળ જુગાર ક્લબ ધમધમે છે...' ભાજપ MLAના આરોપ પર DySPનો જવાબ
BJP MLA Allegation on Police: એકબાજુ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહીને પોલીસના વખાણ કરતા થાકતા નથી. ત્યાં બીજી બાજું તેમની જ સરકારના ધારાસભ્યો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને સામે આવીને વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલ બાદ હવે અરવિંદ લાડાણીએ પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. તેમણે જૂનાગઢ માણાવદર અને બાંટવા પોલીસ મથકની હદમાં પોલીસની જ રહેમનજર હેઠળ જુગારની ક્લબો ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં હવે પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી છે.
MLAના આરોપ પર પોલીસની પ્રતિક્રિયા
જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસની રહેમનજર હેઠળ જૂનાગઢ માણાવદર અને બાંટવામાં જુગારની ક્લબ ચાલે છે અને પૈસા ઉઘરાવવામાં આવે છે. માણાવદર અને બાંટવા પોલીસ હરતી-ફરતી ક્લબના 70-80 હજાર રૂપિયાનો હપ્તો લે છે. આ મુદ્દે DySP દિનેશ કોડિયાતરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જુગારની રેડમાંથી ફરાર આરોપીએ MLAને ગેરમાર્ગે દોર્યા છે. બાંટવા પોલીસ શનિવારે (9 ઓગસ્ટ) જુગારધામો પર દરોડા પાડવા ગઈ હતી. જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 12 આરોપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસની છબી ખરડાવવા માટે ધારાસભ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા
ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ
ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો શનિવારે (9 ઓગસ્ટ) માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. લાડાણીએ આક્ષેપ કર્યા હતા કે, 'પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવાની મંજૂરી આપી રહ્યા છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. માણાવદર અને બાંટવા પોલીસ મથક હરતી ફરતી કલબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લેવામાં આવે છે. જુગાર કેસોના ટાર્ગેટ પૂરા કરવા માટે પોલીસ નિર્દોષ લોકોને ટોર્ચર કરે છે. આ મામલે ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'