Get The App

રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સાસણના રિસોર્ટમાં ધો. 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મોત

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સાસણના રિસોર્ટમાં ધો. 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મોત 1 - image


School Trip Accident: રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ એક પરિવાર માટે કાયમી માતમમાં ફેરવાઈ ગયો છે. સાસણ નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની 'બાદબાકી', કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, રાજકોટની નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના શૈક્ષણિક પ્રવાસે ગયા હતા. શુક્રવારે (19 ડિસેમ્બર) સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાસણ-તાલાલા રોડ પર આવેલા 'ધ ગીર ગેટ વે રિસોર્ટ'માં જમવા અને વિરામ માટે રોકાયા હતા. અહીં જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે ધોરણ-8માં અભ્યાસ કરતો 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર આભ ફાટ્યું

ઘટનાની જાણ થતા જ મૃતક હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાત્કાલિક તાલાલા દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં લાડકવાયા દીકરાનો મૃતદેહ જોઈને તેઓ ભાંગી પડ્યા હતા. "દીકરા ઊભો થા.. જો પપ્પા આવી ગયા" - પિતાના આ હૈયાફાટ કલ્પાંતે ત્યાં હાજર સૌની આંખો ભીની કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચોઃ નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર

શિક્ષકો પર ગંભીર આક્ષેપ અને હોબાળો

મૃતક વિદ્યાર્થીના પરિજનોએ શાળાના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં શિક્ષકોએ સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રાખ્યું? 

તંત્રની કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વિસાવદર ACP રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. મૃતક સગીર હોવાથી મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતકના પિતાએ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના બાદ સ્કૂલે પ્રવાસ ટૂંકાવી દીધો છે અને અન્ય વિદ્યાર્થીઓને બસ મારફતે રાજકોટ પરત મોકલી દેવામાં આવ્યા છે.