Get The App

અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની 'બાદબાકી', કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
Ahmedabad Voter List Digitization


Ahmedabad Voter List Digitization: સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(SIR) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 23 ટકા જેટલા એટલે કે 14,52,816 મતદારોના ફોર્મ મૃત્યુ-ગેરહાજર-કાયમી ધોરણે સ્થળાંરિત અને અન્ય કારણોથી પરત જમા નહીં થયાનું સામે આવ્યું છે.

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર ડ્રાફ્ટ મતદારયાદી જાહેર

અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર જિલ્લાની 21 વિધાનસભા બેઠકોની તમામ ઈઆરઓ કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ 50થી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાં છે. આ તમામ કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. મતદારો પોતાના વાંધાઓ તથા હક-દાવાઓ અહી તેમજ વોટર્સ હેલ્પલાઇન એપ પર ઓનલાઈન પણ દાવા-સુધારા રજૂ કરી શકશે તેમ કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું. 

મતદારો કોઈપણ માહિતી કે સહાય માટે 1950 પર સંપર્ક કરી શકશે

નવા નામ ઉમેરવાં, સ્થળાંતર કે અન્ય સુધારા માટે ફોર્મ-6, 7 અને 8 વિશે પણ સમજણ આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર 1950 પરથી પણ માહિતી મેળવી શકાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે, 'રાજ્ય ચૂંટણી અધિકારીશ્રીની કચેરી પાસેથી કુલ 737 જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે. જેઓ દરરોજ 50 જેટલા મતદારોના વાંધા-દાવાઓ સંદર્ભે સુનાવણી કરશે. અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે 12 ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે.

આ પણ વાંચો: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ

મતદાર યાદી સુધારણા : કયું ફોર્મ શેના માટે ભરી શકાશે?

ફોર્મ-6: નવું નામ ઉમેરવા માટે.

ફોર્મ-7 : નામ કમી કરવા, વાંધો રજૂ કરવા માટે.

ફોર્મ-8 : સુધારો, સ્થળાંતર, નામ ઉમેરાયા પછી નવું ચૂંટણી કાર્ડ કઢાવવા અને દિવ્યાંગતા માટે.

અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની 'બાદબાકી', કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન 2 - image