પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ

Clash Between Two Groups In Palanpur : બનાસકાંઠાના પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં હોવાનો ઘટના સામે આવી છે. જેમાં તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચાર શખસ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ
મળતી માહિતી મુજબ, પાલનપુરના બારડપુરાથી ભક્તોની લીમડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં કેટલાક શખસો તલવારો અને ધોકા લઈને એકબીજા પર હુમલો કરતો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો, જ્યારે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
ખંડણી ઉઘરાવવા મામલે મનદુખ રાખીને બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે, ત્યારે પોલીસે મારામારીને ઘટના પગલે 4 લોકો સામે ફરિયાદ દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

