Cold Wave in Kutch: ગુજરાતમાં ઉત્તર તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રવિવારે (11મી જાન્યુઆરી) કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન છે.
નલિયા અને આસપાસના વિસ્તારો જાણે મિની કાશ્મીર
નલિયા અને આસપાસના વિસ્તારોમાં ઠંડી એટલી પ્રચંડ હતી કે વહેલી સવારે ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો, ખેતરોમાં પાક અને ઘરની બહાર પડેલી ચીજવસ્તુઓ પર બરફના થર જામી ગયેલા જોવા મળ્યા હતા. પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા પંથકમાં લોકોએ જાણે કાશ્મીર જેવો અહેસાસ કર્યો હતો.

મુખ્ય શહેરોનું તાપમાન
કચ્છ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયામાં સીઝનનું સૌથી નીચું 3.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં પણ 9 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો છે. આ ઉપરાંત અમરેલીમાં 7.6 ડિગ્રી, રાજકોટમાં 8.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 9.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે
કાતિલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત
કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ઠંડીના ડરથી શહેરો અને ગામડાઓમાં રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે અને લોકો સવારે મોડા સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પશુપાલકો અને ખેડૂતોએ ઠંડીથી બચવા માટે ઠેર-ઠેર તાપણાંનો સહારો લીધો છે.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 24થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે હજુ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, જેનાથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટ જોવા મળી શકે છે.


