Court Rules India: ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવો એક પરિપત્ર જારી કરી હવેથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો-કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાનું કડક ફરમાન જારી કરાયું છે. રાજયની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી તા. 1 જાન્યુઆરી, 2026થી કરવી પડશે. હાઇકોર્ટ સહિત રાજયની તમામ જિલ્લા અદાલતો અને સંબંધિત કોર્ટમાં તમામ પિટિશન, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર અને જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાની નવી સિસ્ટમના કારણે વર્ષે દહાડે લાખો-કરોડો રૂપિયાનો એ-4 સાઇઝનો કાગળ વપરાશે. તેનો ઉપયોગ અનેકગણો વધી જશે. જેના કારણે તેનું ઉત્પાદન પણ વધશે.
હાઇકોર્ટ દ્વારા અગાઉ 25 ઓક્ટોબર, 2025ના પરિપત્રમાં ફોન્ટ સહિતની કેટલીક બાબતોના ફેરફાર સાથે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે, અગાઉ જે ફોન્ટનો ઉલ્લેખ કરાયો હતો તે આઉટડેટેડ અને યુનિકોડ સક્ષમ નહીં હોવાના કારણે ટેક્નિકલ સમસ્યાઓ આવતી હતી. તેથી હવે ફોન્ટમાં લઇને મહત્ત્વનો બદલાવ કરી કેટલીક બાબતોમા સુધારા સાથે નવો પરિપત્ર જારી કરાયો છે. પરિપત્રમાં ચોક્કસ સાઇઝના એ-4 પેપરના ઉપયોગની સાથે સાથે તેની ક્વોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે અને તે મુજબ, તમામ જિલ્લા અદાલતોમાં 1 જાન્યુઆરી, 2026થી ફરજિયાતપણે અમલવારી કરવાની રહેશે.
શું છે નિયમ?
પેપરની વિગત એ 4 સાઇઝ (29.7 સે.મી બાય 21 સે.મી), કવોલિટી ઓછામાં ઓછું 75 જીએસએમ પ્રકારની હોવી જોઇશે, બંને બાજુ પ્રિન્ટિંગ શકય રહેશે, ગુજરાતી ફોન્ટ (યુનિકોડ જ માત્ર), ફોન્ટ સાઇઝ 16, ઇંગ્લિશ ફોન્ટ (ટીએનઆર-ટાઇમ્સ ન્યુ રોમન), ઇંગ્લીશ ફોન્ટ સાઇઝ 14, લાઇન સ્પેસિંગ 1.5 (કવોટેશન અને ઇન્ડેન્ટ મેટર માટે), તેમાં ફોન્ટ સાઇઝ 12 અને લાઇન સ્પેસિંગ સિંગલ રાખવાની રહેશે. ઉપરાંત ડાબે-જમણે ચાર સીએમનું અને ઉપર નીચે 2 સે.મીનું માર્જિન રાખવાનું રહેશે. ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઇઝના પેપર સહિતની ઉપરોકત નિયમો અને નિર્દેશોની 1 જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની રહેશે.
નોંધનીય છે કે, નીચલી અદાલતોમાં અત્યાર સુધી લીગલ સાઇઝ, એ-4 સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતુ હતુ. પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી. કોઇપણ અરજી કે, ફરિયાદ તથા સોગંદનામા કોઇપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા. જો કે, હવે હાઇકોર્ટના પરિપત્રના કારણે એ-4 સાઇઝ પેપર, ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઇ, બારીકાઇ અને એકસમાનતા જળવાશે.
અદાલતોમાં પેપરલેસ સિસ્ટમ, ઇ-કોર્ટ સિસ્ટમ ફ્રેન્ડલી, પીડીએફ સ્કેનિંગ, ઓનલાઇન ફાઇલિંગ અને ભવિષ્યમાં ડિજીટલ રેકોર્ડને ઘ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. હવેથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં ચોક્કસ પ્રકારના અને ચોક્કસ નિયમો સાથેના એ-ફોર સાઇઝના પેપર અને ફાઇલીંગની નવી સીસ્ટમ તમામ વકીલો, લીટિગન્ટ્સ(પક્ષકારો), કોર્ટ સ્ટાફ, ડ્રાફ્ટિંગ કરનાર તમામ વ્યકિતઓ અને જ્યુડિશિયલ ઓફિસર્સ માટે બહુ મહત્ત્વનો નિર્ણય બની રહેવાનો છે.


