Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ વીડિયો બનાવીને ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બીજી તરફ, ગાયનેક વિભાગના હેડ ડૉક્ટરે મૃતક બાળકના પરિવારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો
મળતી માહિતી મુજબ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા સમયસર સિઝેરિયન ન કરવાના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનો મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના બાળકના પરિવારે જણાવ્યું હતું કે, 'ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવવા માટે વિસાવદરથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેમને રિફર કરવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડિલિવરી કેસમાં વ્યવસ્થિત ધ્યાન ન આપી અને ગંભીર બેદરકારી દાખવી હતી. જેના કારણે અમારા બાળકનું મોત નીપજ્યું છે. આવી રીતે એક દિવસમાં 4 બાળકોના મોત નીપજ્યા છે.'
મૃતક બાળકના પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડએ જણાવ્યું હતું કે, મહિલાને ડિલિવરી માટે વિસાવદરથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. જેમાં બાળકના શરૂઆતથી જ ધબકારા ઓછા હોવાથી તરતજ બાળક વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. આમ મૃતક બાળકના પરિવારના ગંભીર આક્ષેપોને ગાયનેક હેડએ પાયાવિહોણા ગણાવ્યા હતા અને ડૉક્ટર કે સ્ટાફની બેદરકારી ન હોવાનું જણાવ્યું હતું.


