Gujarat

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી

By GS TEAM
16 May 20262 mins read
TukuTouch Logo
એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હાઈવે અને પાકા રસ્તાઓ બનાવવાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી

Chhotaudepur Road Condition: એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હાઈવે અને પાકા રસ્તાઓ બનાવવાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. કવાંટથી રેણધાને જોડતો સ્ટેટ આર.&બી. (R&B) વિભાગનો 13 કિલોમીટરનો મુખ્ય માર્ગ આજે વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે જોખમી અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રસ્તાની હાલત એટલી બિસ્માર બની ગઈ છે કે, જાણે ખાડાઓમાં આખો રોડ જ ખોવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ધૂળની ડમરીઓ વચ્ચે અકસ્માતનો ભય

વર્ષો પહેલા બનાવવામાં આવેલો આ મુખ્ય માર્ગ હાલ સંપૂર્ણપણે ધૂળિયા માર્ગમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે કે રોડનું નામોનિશાન મટી ગયું છે. આ રોડ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો હોવાથી અહીંથી રોજ અસંખ્ય નાના-મોટા વાહનો પસાર થાય છે. જ્યારે પણ કોઈ મોટું વાહન અહીંથી નીકળે છે, ત્યારે એટલી ભારે ધૂળની ડમરીઓ ઊડે છે કે પાછળ આવતા વાહનચાલકોને કશું જ દેખાતું નથી, જેને કારણે અકસ્માતનો ખતરો સતત તોળાતો રહે છે. માત્ર 13 કિલોમીટરનો આ નાનકડો રસ્તો પાર કરવામાં વાહનચાલકોને કલાકોનો સમય વેડફવો પડે છે.

73 કરોડ રૂપિયા મંજૂર હોવાના દાવા, પણ ગ્રાઉન્ડ પર કામ શૂન્ય

સ્થાનિક લોકો અને વાહનચાલકો વર્ષોથી આ નરક સમાન રસ્તામાંથી મુક્તિ મેળવવા માટે તંત્ર અને નેતાઓ સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પણ પરિણામ શૂન્ય આવ્યું છે. આ અંગે જ્યારે આર.&બી. વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, "આ માર્ગના નવા નિર્માણ માટે 73 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે."

આ પણ વાંચો : સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાયા!

હવે આશ્વાસન નહીં, કામ જોઈએ

તંત્રના આ આશ્વાસન સામે સ્થાનિક ગ્રામજનો અને આસપાસના ગામના સરપંચોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આવી મોટી-મોટી જાહેરાતો અને આશ્વાસનો અગાઉ પણ તંત્ર દ્વારા અનેકવાર આપવામાં આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ક્યારેય કામ શરૂ થતું નથી.

જનતાનો સરકારી વાયદા પરથી વિશ્વાસ ઉઠ્યો

હવે જનતાનો સરકારી વાયદાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. સ્થાનિકોએ તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં આ રોડનું કામ વાસ્તવિક રીતે શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વખતે પણ માત્ર કાગળ પર જ 73 કરોડ રૂપિયાના કિલ્લા ચણશે કે પછી સરહદી વિસ્તારના લોકોને આ જોખમી માર્ગથી સાચે જ મુક્તિ અપાવશે.