છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત
AI IMAGE |
Dog Attack in Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહતમાં શ્વાનના હુમલામાં ત્રણ વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાવીજેતપુરના રતનપુરમાં રહેતા ઉષાબેન તેમના ત્રણ વર્ષના બાળક સાથે બોડેલીના ધનપુર ખોસ વસાહતમાં આવેલા તેમના પિયરમાં આવ્યા હતા. રવિવારે સાંજે બાળક ઘરની બહાર રમી રહ્યું હતું, ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો. શ્વાન બાળકને ગળાના ભાગેથી ઢસડીને ઘરની બહાર લઈ ગયું હતું અને તેને નર્મદાની કેનાલ સુધી પહોંચાડી દીધું હતું.
આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી
પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચે નગરપાલિકાને જાણ કરી હતી અને રખડતા શ્વાનોના ત્રાસ અંગે રજૂઆત કરી હતી.
પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને સ્થાનિક લોકોમાં રખડતા શ્વાનોના ત્રાસને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માંગ કરી છે.