Gujarat

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમાજ લાલઘૂમ

By GS TEAM
21 Nov 20252 mins read
TukuTouch Logo
ગુજરાત સરકાર આદિવાસીઓના વિકાસની વાતો કરે છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગ્ધા ગામે આવેલી આદિજાતિ વિભાગની છાત્રાલય બંધ થવાના આરે છે. આદિજાતિ વિભાગે ગ્રાન્ટના રૂ. 16 લાખની ચૂકવણી ન કરતાં છાત્રાલયના સંચાલકોએ 60 જેટલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાનો આદેશ આપ્યો છે, જેના કારણે આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમાજ લાલઘૂમ

Chhota Udepur News : ગુજરાત સરકાર આદિવાસીઓના વિકાસની વાતો કરે છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગ્ધા ગામે આવેલી આદિજાતિ વિભાગની છાત્રાલય બંધ થવાના આરે છે. આદિજાતિ વિભાગે ગ્રાન્ટના રૂ. 16 લાખની ચૂકવણી ન કરતાં છાત્રાલયના સંચાલકોએ 60 જેટલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાનો આદેશ આપ્યો છે, જેના કારણે આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

વિભાગના વાંકે 60 બાળકોનું શિક્ષણ બગડશે

પછાત વર્ગ સેવામંડળ દ્વારા ચલાવવામાં આવતી આ છાત્રાલય પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. સંસ્થા દ્વારા વાલીઓને તેમના બાળકોને ઘરે લઈ જવા માટે સૂચના આપવામાં આવતા, આદિવાસી સમાજના લોકો અને વાલીઓ ચિંતિત બનીને છાત્રાલય પહોંચ્યા હતા અને બાળકોને ઘરે ન મોકલવા સંસ્થાના પ્રમુખને આજીજી કરી હતી.

ગંભીર સવાલ

શિક્ષણ કાર્યનું અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. હવે જો બાળકોને ઘરે મોકલી દેવામાં આવે તો તેમનું શિક્ષણ બગડે તેમ છે. બાળકોને રહેવા અને જમવાની સુવિધા આપતી આ છાત્રાલય આદિજાતિ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે બંધ થવાના આરે છે.


વાલીઓની વ્યથા

નસવાડી તાલુકાના આદિવાસી પરિવારો મજૂરી કામે કાઠિયાવાડ જેવા દૂરના વિસ્તારોમાં જાય છે. તેઓ પોતાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તેમને છાત્રાલયમાં મૂકીને ગયા છે. સંસ્થાની સૂચનાથી આ મજૂર વાલીઓ પણ ભારે ચિંતામાં મૂકાયા છે.

પ્રમુખે વ્યક્ત કરી મજબૂરી: રૂ.16 લાખ બાકી

આશ્રમશાળાનું સંચાલન કરતી સંસ્થાના પ્રમુખ અનીરૂધ્ધ પટેલના જણાવ્યા મુજબ, સંસ્થાના રૂ. 16 લાખ રૂપિયાની માતબર રકમ સરકાર અને આદિજાતિ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી નથી. પ્રમુખ અનિરૂધ્ધ પટેલનું કહેવું છે કે, "સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતાં, વેપારીઓ અને અન્ય લોકોનું લેણું સંસ્થા ઉપર વધી ગયું છે. હવે આગળ આશ્રમશાળા ચલાવી શકાય તેમ નથી, જેના કારણે મજબૂરીવશ આશ્રમશાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને વિદ્યાર્થીઓને ઘરે જવા માટે કહેવું પડ્યું છે."


આ પણ વાંચો: વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, 'તણાવ ન હોવાનો' તંત્રનો દાવો શંકાના ઘેરામાં!

આદિવાસી સમાજનું જલદ આંદોલનનું એલાન

આદિવાસી સમાજે તંત્રની આ ઉદાસીનતા સામે લાલ આંખ કરી છે. આદિજાતિ વિભાગના અધિકારીઓના વાંકે બાળકોના શિક્ષણ અને રહેવાની સુવિધા છીનવાઈ રહી હોવાથી, આદિવાસી સમાજે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમની માગણી છે કે તાત્કાલિક ગ્રાન્ટની ચૂકવણી કરીને બાળકોનું શિક્ષણ ચાલુ રાખવામાં આવે.

આ સમગ્ર ઘટના સરકારના આદિજાતિ વિકાસના દાવાઓ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. વિભાગ જો તાત્કાલિક ગ્રાન્ટ નહીં ચૂકવે, તો 60 નિર્દોષ આદિવાસી બાળકોનું ભવિષ્ય બગડશે તે નિશ્ચિત છે.