Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર અને કદવાલ એમ કુલ સાત તાલુકા આવેલા છે. આ પૈકી નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં કપાસની ખેતી સૌથી વધુ થાય છે. સરકાર દ્વારા સીસીઆઈ (CCI) મારફતે કપાસના એક ક્વિન્ટલના 8,060 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, તેઓનો જ કપાસ સીસીઆઈમાં કપાસ નાખી શકે છે. પરંતુ, ગત તારીખ 16 જાન્યુઆરી 2026 પછી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.
ખેડૂતોને ક્વિન્ટલ દીઠ અંદાજે 500 રૂપિયાનું નુકસાન
અત્યાર સુધીની પદ્ધતિ મુજબ ખેડૂતો જ્યારે કપાસ વેચવા જાય ત્યારે 7/12 અને 8-અની નકલ સાથે રાખતા અને ત્યાં જ રજિસ્ટ્રેશન કરાવતા હતા. છોટાઉદેપુર જિલ્લાના પછાત તાલુકાઓના અંતરિયાળ ગામડાઓમાં રહેતા ખેડૂતોને રજિસ્ટ્રેશન બંધ થયું હોવાની કોઈ જાણકારી મળી ન હતી. વર્ષોની પરંપરા મુજબ ખેડૂતો જ્યારે કપાસ વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવવા ગયા, ત્યારે પ્રક્રિયા બંધ હોવાનું જાણવા મળતા તેઓ મૂંઝવણમાં મુકાયા છે. રજિસ્ટ્રેશન વગર સીસીઆઈમાં કપાસ વેચી શકાતો, પરિણામે ખેડૂતોને નસવાડીના બજારોમાં ખાનગી વેપારીઓને 7600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસ વેચવો પડી રહ્યો છે. આમ, ખેડૂતોને ક્વિન્ટલ દીઠ અંદાજે 500 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

ખેડૂતોમાં ભારે રોષ
એક તરફ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે, ત્યારે બીજી તરફ સરકારની કપાસ ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ થતા ખેડૂતો બેવડી મુસીબતમાં મુકાયા છે. ખેડૂત હિતની વાતો કરતી સરકારની આ નીતિથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં નસવાડીના બજારોમાં ખાનગી વેપારીઓને ત્યાં કપાસની મબલક આવક થઈ રહી છે.
આ પણ વાંચો: છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો
બીજી તરફ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. થોડા દિવસો કપાસ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવો દાવો છે જેની સામે મે મહિના સુધી કપાસની આવક ચાલુ રહે છે. જે કારણે જીનમાં કામ કરતો મજૂરને પણ માઠી અસર પડી શકે છે. APMCને પણ શેષ ફીની આવકનું નુકસાન થશે તો બીજી તરફ ખાનગી વેપારીઓ કપાસની ખરીદી તો કરે છે પણ અહીં કાર્ટિગ મોંઘુ પડતું હોવાથી તેઓ રૂ અને કપાસિયા વેચવા સૌરાષ્ટ્ર તરફ જાય છે જેથી જીનો પણ નુકસાન થવાની ભીતિ છે.


