Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં મનરેગા યોજનામાં(આ યોજનાનું નામ હાલ જી રામ જી કરવામાં આવ્યું છે) 80થી વધારે કર્મચારીઓ ફરજ બજાવે છે પણ તેઓનો ત્રણ મહિનાથી પગાર થયો નથી, છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવનમાં મનરેગા વિભાગની કચેરી આવેલી છે, જે કર્મચારીઓ લોકોની રોજગારી માટે કામ કરે છે તે કર્મચારીઓને પગાર ન મળવા પાછળનું કારણ સરકારનો અણધડ વહીવટ જવાબદાર છે. કારણ કે રાજ્યકક્ષાએ ગ્રાન્ટ પાસ ન થતાં ત્રણ મહિનાથી કર્મચારીઓનો પગાર અટકી ગયો છે જેમને દિવાળી પણ પગાર વિના વિતાવી હતી.
ઓકટોબર મહિનાથી પગાર નથી થયો!
છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર કદવાલ સાત તાલુકા આવેલા છે જેમાં મનરેગા યોજનામાં 80 જેટલા ટેક્નિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટટ, રોજગાર સેવક ફરજ બજાવે છે તેઓનો ઓકટોબર મહિનાથી પગાર થયો નથી અને ઓછા પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત કફોડી બની છે.
ન ઘરના ન ઘાટના
ત્રણ માસથી પગાર ન મળતા બજારમાંથી વ્યાજે કે ઉછીના ઉધાર લઈને હાલમાં ઘર ચલાવે છે પરંતુ હવે પગાર ન થતા વેપારીઓએ પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. મનરેગા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે આ કર્મચારીઓ લોકોને રોજગારી મળે તે માટે સતત કામગીરી કરે છે તેઓને જ રોજગારીના નાણા ન મળતા હાલ તો કર્મચારીઓની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ છે.
ઉત્સવોમાં લાખો રૂપિયાનો ખર્ચ તો ગ્રાન્ટ કેમ નહીં?
દાવો છે કે રાજ્ય સરકાર દ્વારા પગાર માટેની ગ્રાન્ટ ફાળવતી નથી જેને લઈને આ કર્મચારીઓનો પગાર થતો નથી, વિકાસની મોટી મોટી વાતો કરનાર સરકાર ઉત્સવોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ કર્મચારીઓને પગાર આપવામાં વિલંભ કરે છે, આ વરવી વાસ્તવિકતા છે.V


