હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો
Halvad News : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આવેલો ચેકડેમ આજે શુક્રવાર (29 ઓગસ્ટ) સવારે સાત વાગ્યાની આજુબાજુ તૂટી ગયો હતો. ચેકડેમ તૂટતાં પાણીનો પ્રવાહ ટીકર બાજુ વહી રહ્યો છે. બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. સમગ્ર મામલે રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડીને તૂટયો હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે.
રેતીની ચોરીના કારણે ચેકડેમ તૂટ્યો
હળવદ તાલુકાના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પસાર થઈ રહી છે. જેના ઉપર ખેડૂતોને પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે અંદાજે 20 વર્ષ પહેલા ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. આજે 29 ઓગસ્ટના રોજ સવારે 6:30 થી 7 વાગ્યાના અરસામાં ચેકડેમ તૂટી ગયો હતો. આ ઘટના અંગે સરપંચ સજ્જનબા જગદીશભાઈ ગઢવીએ કહ્યું હતું કે, 'ચેકડેમ તૂટી ગયો છે, ત્યારે હવે ફરી ક્યારે આ ચેકડેમ બનશે તે અંગે કઈ નક્કી નથી. રેતી ચોરીના કારણે આ બનાવ બન્યો છે. હજુ પણ તંત્ર દ્વારા રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો ભયંકર પરિણામ આવશે.'
આજુબાજુના પાંચ ગામના લોકોને હાલાકી
ચેકડેમ તૂટી પડવાની દુર્ઘટનામાં કોઈ જાનહાની કે મોટી નુકસાની સર્જાઇ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચેકડેમનું પાણી હાલ ખાલી થઈ રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ટીકર તરફ વહી રહ્યો છે. જ્યાંથી આ પાણી રણ વિસ્તારમાં વેડફાશે. આ સાથે ટીકર જવાના બેઠા પુલ પર પાણી ફળી વળતાં અવર-જવર બંધ થઈ ગઈ હતી. ચેકડેમ તૂટતાં આજુબાજુના પાંચ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ
વર્ષ 2022થી ચેકડેમ જર્જરીત હતો. અવાર-નવાર અનેક વખત ગ્રામજેનોએ ચેકડેમ મામલે તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ચેકડેમ તૂટવાથી પાણી વેડફાયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તાત્કાલિક ચેકડેમનું સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતોઓ અને ગ્રામજનોની માંગણી કરી છે.