ચંડોળા ડિમોલિશન: બીજા દિવસે 20 ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉપરાંત 500 બાંધકામ તોડી પડાયા
Chandola Demolition Phase 2: ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદે બાંધવામાં આવેલા વીસ જેટલા ધાર્મિક સ્થાન અને 500 જેટલા કાચા-પાકા બાંધકામ બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી સમયે લોકોએ હોબાળો મચાવતા ઉમટી પડેલા લોકોને નિયંત્રણમાં લઈ કામગીરી પુરી કરાઈ હતી. આમ છતાં તળાવની જગ્યામાંથી કયાં-કયાં ધાર્મિક સ્થાન તોડી પડાયા એ અંગેની વિગત ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢાંકપિછોડો કરાયો છે.
લલ્લા બિહારીના બનાવેલા ધાર્મિક સ્થાનો પણ તોડી પડાયા
11 લાખ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા ચંડોળા તળાવની જગ્યામાં 700 જેટલા કોમર્શિયલ પ્રકારના તથા 12 હજારથી વધુ કાચા-પાકા દબાણ હતા. બુધવારે સવારે જે.સી.બી.હીટાચી મશીન સહિતની મશીનરી સાથે મ્યુનિ.ની પચાસથી વધુ ટીમોએ તળાવની જગ્યામાં બાંધવામાં આવેલા ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી શરૂ કરતા તળાવની જગ્યામાં રહેતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં બહાર આવ્યા હતા અને ધાર્મિક સ્થાનના ડિમોલિશનની કામગીરી ન થાય એ માટે ભારે પ્રયાસ કર્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તળાવની જગ્યામાં લલ્લા બિહારી દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા ધાર્મિક સ્થાનને પણ તોડી પડાયા હતા. જોકે આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સત્તાવાર કોઈ માહીતી આપવામાં આવી નથી.
તળાવની જગ્યામાં ડિમોલિશનની કામગીરી સમયે જે વર્ષો જૂના ધાર્મિક સ્થાનો આવેલા છે એવા ધાર્મિક સ્થાનો માટે ડિમોલિશન કામગીરી કરવામાં આવી નહતી. તળાવની જગ્યામાંથી આશ્રયવિહોણા એવા 33 લોકોને એ.એમ.ટી.એસ.ની બસ મારફત વાસણા ખાતે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના શેલ્ટરહોમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સવારે બે કલાકના સમયની અંદર ડિમોલિશનની કામગીરી કરી મ્યુનિ.ના અધિકારીઓ રવાના થઈ ગયા હતા. વર્ષોથી ચંડોળા તળાવની વોટરબોડીમાં બાંગ્લાદેશીઓ સહિત અન્યોના ગેરકાયદે બાંધકામમાં વસવાટ હતો.
તંત્ર દ્વારા ઢાંકપિછોડો
ચંડોળા વિસ્તારમાં જે ગેરકાયદે ધાર્મિક સ્થાનો ઊભા કરી દેવાયા હતાં તેનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, તંત્ર દ્વારા આ કામગીરીની વિગત આપવાની બદલે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.
ચોમાસા પહેલા તળાવને ફરતે પ્લાન્ટેશનની કામગીરી કરાશે
ચંડોળા તળાવમાંથી કાટમાળ દૂર કરવાની સાથે તળાવને ઊંડુ કરવાની કામગીરી ચાલી રહી છે.તળાવની ફરતે તળાવમાં રહેલા પાણીને લોકો જોઈ શકે એ માટે પારદર્શક ગ્રીલ લગાવવાની કામગીરી ટૂંકસમયમાં શરુ કરવામાં આવશે.તળાવનો વિકાસ થાય એ માટે તળાવની ફરતે ચોમાસા પહેલા પ્લાન્ટેશન પણ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેરાત કરાઈ છે.
પ્રથમ તબકકાની કામગીરી પછી કાટમાળ દૂર કરવાની કામગીરી
મંગળવારે 8500 જેટલા કાચા-પાકા બાંધકામ તોડયાનો દાવો કરી ચંડોળા તળાવની 2.50 લાખ ચોરસમીટર જગ્યા ખાલી કરાઈ હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવાયુ હતુ. બુધવારે પોલીસ વિભાગ સાથે રહી અત્યંત ચોકસાઈથી ધાર્મિક દબાણો દૂર કરાયા હોવાનુ મ્યુનિ.એ સત્તાવાર જાહેર કર્યુ છે. આ ઉપરાંત તળાવમાં ગેરકાયદે દબાણો દૂર કરવાના પ્રથમ તબકકાની કામગીરી પછી કાટમાળ દૂર કરવાની કામગીરી અંગે મ્યુનિ. તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.