Gujarat

સાડાના જીનાલયમાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસમા પોલીસે બોચી લીધા

By GS TEAM
16 Feb 20262 mins read
સાડાના જીનાલયમાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસમા પોલીસે  બોચી લીધા

- મહેસાણા-સુરેન્દ્રનગર જિલ્લાના મંદિરોની ચોરીના ભેદ ઉકેલાયા

- પોલીસે કાર સહિત રૂપિયા 7.15 લાખનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી કરી

હારીજ : ગુજરાતના વિવિધ મંદિરોની નિશાન બનાવતી આંતરરાજ્ય ગરાસિયા ગેંગના એક સાગરિતને ચાણસ્મા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસની પૂછતાછમાં આરોપીએ સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાના મંદિરોમાં ચોરી કર્યાની કેફિયત આપી હતી. પોલીસે ચોરીના ચાંદીના છત્તર, પારણા, રોકડ મળી કુલ રૂ.૭.૧૫ લાખની મતા કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કર્મચારીઓને બાતમી મળી હતી કે, કારમાં પરપ્રાંતીય શખ્સો ગુનાઈત પ્રવૃત્તિ કરે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં હકીકત મુજબની સફેદ કલરની ગાડી પસાર થતાં પોલીસે ઈશારો કરી તેને થોભાવી કાર ચાલકનું નામ પૂછતાં તેણે પોતાની ઓળખ રૂપારામ હરરામ ગરસિયા (રહે.કુરન, તા.બાલી, જિ.પાલી, રાજસ્થાન) તરીકેની આપી હતી. 

પોલીસે આરોપીની અટકાયત કરી કડક પૂછપરછ કરતાં આરોપી રૂપારામ હરારામ ગરાસિયાએ વટાણા વેરી દીધા હતા અને સુરેન્દ્રનગરના દસાડા ખાતેના જૈન દેરાસરમાંથી લૂંટ કર્યાની તથા સમીના શંખેશ્વર મંદિર ઉપરાંત, મહેસાણા શહેરમાં રીંગ રોડ નજીક આવેલાં મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેમજ મંદિરોમાં ચોરીના ગુનામાં અન્ય એક શખ્સ સામેલ હોવાની કેફિયત આરોપીએ આપી હતી. પોલીસે રાજસ્થાનના આરોપીની ધરપકડ કરી તેના કબજામાંથી રોકડ, મોબાઈલ ફોન, ચાંદીના છત્તર, ચાંદીના સિક્કા વગેરે મળી કુલ રૂ.૭.૧૫ લાખની માલમતા વગેરે કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આરોપીએ પોલીસની પૂછપરછમાં  ચોરીના ગુનામાં પાંચ શખસોની સંડોવણી હોવાની કેફીયત આપી હતી. આમ, પોલીસના ચેકિંગમાં મંદિરોમાં થતી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. હાલમાં ચાણસ્મા પોલીસે પકડાયેલા આરોપીની મુદ્દામાલની વધુ તપાસ અર્થે દસાડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આરોપીઓ ચોરીને અંજામ આપવા હોટેલમાં રોકાઈને રેકી કરતા હતા

મહેસાણા સહિત જે જિલ્લામાં ચોરી કરવાના હોય ત્યાં આરોપીઓ ગેસ્ટહાઉસમાં રોકાઈને રેકી કરતા હતા. ત્યારબાદ ચોરીના ગુનાને અંજામ આપીને આરોપીઓ ચોરાઉ મુદ્દામાલ લઈને પોતાના વતન રાજસ્થાન તરફ ભાગી જતાં હતા. તેઓ ગુગલ મેપ દ્વારા હાઇવે નજીકના મંદિરોને સર્ચ કરીને તેને ટાર્ગેટ બનાવતા હતા. ચોરી દરમિયાન જો કોઈ જાગી જાય કે પ્રતિકાર કરે તો તેઓ હથિયારોથી હુમલો કરવાની પણ તૈયારી રાખતા હતા.