'મનસુખ વસાવાએ કહ્યું તે સાચી વાત છે, હું સાંસદને અભિનંદન આપું છું', મનરેગા કૌભાંડ મામલે ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન
Chaitar Vasava On MNREGA scam case: ભરુચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાના ખુલાસાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, 'કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે અને જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો અને સાંસદોને પણ હપ્તા આપ્યા છે.'
મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવા ઘટસ્ફોટને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે, 'મનસુખ વસાવાની જ સરકાર છે અને તેમને કહ્યું તે સાચી વાત છે. ગાંધીનગર સુધી આ કૌભાંડની જળ છે, જો તપાસ કરાવવામાં આવે તો બધા લોકો સંડોવાઈ તેમ છે. પહેલા જ્યારે મે આ વાત કરી હતી, ત્યારે મનસુખ વસાવાએ ના કહી હતી કે એવું કોઈ કૌભાંડ થયું જ નથી. આજે સાંસદ જાતે જ કહે છે કે ઉપર સુધી હપ્તા પહોંચે છે. આ કહેવા બદલ સાંસદને અભિનંદન આપું છું.'
મનસુખભાઇ પાસે જે ડેટા તે જગજાહેર કરે: ચૈતર વસાવા
ચૈતર વસાવાએ કહ્યું કે, 'આ જલારામ એજન્સીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાવનારા જ મનસુખ વસાવા છે. આ એજન્સીઓ સાથે નર્મદા સુગર ફેકટરી અને કરજણ ગેસ્ટ હાઉસ ખાતે મનસુખ વસાવાએ ઘણી વાર મિટિંગો કરી છે. મનસુખભાઇ પાસે જે ડેટા છે તે ડેટા જગજાહેર કરે અને જેને પણ કટકી ખાધી છે તેમના નામ પણ જાહેર કરે અને કેટલી રકમ લીધી છે તે પણ જાહેર કરે. 7 ટર્મના ભાજપના સાંસદ આટલા મોટા કૌભાંડથી માહિતગાર કરે છે, જેથી તેની તપાસ થવી જ જોઈએ.'
ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, 'અમે ક્યારેય કોઈ એજન્સી સાથે બેઠા નથી કે આ એજન્સીઓથી પરિચિત પણ નથી. દાદાનું બુલડોઝર નાના લોકો પર ફરે છે અને રાજ્યના ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે તો હવે આ મોટા કૌભાંડીઓ પર બુલડોઝર કયારે ફરશે.'
મનસુખ વસાવાએ શું આપી માહિતી?
સાંસદ મનસુખ વસાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.