VIDEO: 'ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, ભાજપ કોંગ્રેસ બધાને હપ્તા મળ્યા' મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ
Bharuch Mnrega Scam : ભરુચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભરુચના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડમાં મોટો ધડાકો કરતાં જણાવ્યું છે કે, કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે.
સાંસદ મનસુખ વસાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.
મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું કે, "વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે, તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે."
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડના પહેલા કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળ્યા જામીન, બીજા કેસમાં હજુ જેલમાં બંધ
આ ઉપરાંત, સાંસદે 'સ્વર્ણિમ' નામની એજન્સીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે મનરેગા હેઠળ કામો કર્યા છે. તેમણે આ એજન્સીના કામોની પણ વિગતવાર તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી.
સમગ્ર કૌભાંડની ગંભીરતાને જોતા, સાંસદ મનસુખ વસાવાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં CIDની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવે. આ માંગણીથી ભરુચના મનરેગા કૌભાંડનો વ્યાપ વધુ વિસ્તરવાની શક્યતા છે અને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે.
સાંસદે પહેલા આક્ષેપો કર્યા અને પલટી પણ મારી
ભરુચના મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોએ રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો છે, પરંતુ તેમના નિવેદનોમાં છેલ્લે આવેલા પલટાએ અનેક સવાલો ઊભા કર્યા છે. વસાવાએ આ કૌભાંડને ગાંધીનગર લેવલનું "સેટિંગ" ગણાવ્યું હતું, જેમાં એજન્સીને કામ મળે ત્યાં સુધીનું આયોજન હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અધિકારીઓ, પદાધિકારીઓ સહિત તમામને ફંડ આપવામાં આવ્યું છે, અને આ મામલે ગાંધીનગરથી તપાસની શરુઆત થવી જોઈએ.
"ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી"
વસાવાએ કટાક્ષ કરતાં કહ્યું કે, "ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી" અને "દીવા તળે અંધારું છે એ જોતા નથી." તેમના મતે, આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે, જેમાં દરેક પક્ષના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેમણે 'સ્વર્ણિમ' એજન્સીની તપાસ ન થવા પર પણ સવાલ ઉઠાવ્યો અને માંગ કરી કે માત્ર ભરુચ કે નર્મદા જ નહીં, પરંતુ આખા ગુજરાતમાં મનરેગાના કામોની તપાસ થવી જોઈએ.
મૌખિક દાવા કર્યા પણ કોને હપ્તા ચૂકવાયા તેની યાદી ન આપી
જોકે, આટલા ગંભીર આક્ષેપો કર્યા બાદ, વસાવાએ લિસ્ટ રજૂ કરવાને બદલે ફક્ત મૌખિક દાવાઓ કર્યા, અને આ બધી માહિતી એજન્સીના માણસો દ્વારા તેમને કહેવામાં આવી હોવાનું જણાવ્યું. તેમણે એક રીતે એજન્સીના ખભા પર બંદૂક મૂકીને વાત કરી હોય તેવો ઘાટ સર્જાયો. આશ્ચર્યજનક રીતે, આટલા મોટા ધડાકા કર્યા બાદ સાંસદ વસાવા "પાણીમાં બેસી ગયા" અને કહ્યું કે, "આ બધું એજન્સીએ કહ્યું એમાં તથ્ય કેટલું છે એ તપાસનો વિષય છે."
વસાવાના મુખ્ય નિશાને રહી AAP
આ સમગ્ર આક્ષેપો કરતા કરતા, મનસુખ વસાવા દર વખતની જેમ ગોળ ગોળ ફરીને આમ આદમી પાર્ટી (AAP) પર સીધા આક્ષેપ કરવા પર આવી ગયા. તેમણે AAPના સરપંચો અને પદાધિકારીઓના ક્ષેત્રમાં તપાસ કરાવવાની વાત કરી, જે તેમના નિવેદનોના અંતે એક રાજકીય મોડ દર્શાવે છે.