Get The App

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી 1 - image

- સામાન્ય સભામાં ભાજપ- કોંગ્રેસના સભ્યો સામસામે આવી જતા હંગામો : ખૂરશી- ટેબલો ઊંધા વાળ્યાં

- 8 મહિનાથી વિવિધ સમિતિના ચેરમેનોની નિમણૂક નહીં કરી મનસ્વી શાસન ચલાવાતું હોવાનો વિપક્ષનો આરોપ

- પોલીસ બોલાવી વિપક્ષના સભ્યોને સભામાંથી બહાર કાઢી બહુમતીથી પાંચ કામો મંજૂર કરાયા

- રસ્તા- વાહન રિપેરિંગ, સામાનની ખરીદીના ઠરાવ મુદ્દે વિપક્ષ કોંગ્રેસના ૧૦ સભ્યોએ ધસી આવી પ્રમુખ અને ચીફ ઓફિસર પર હુમલો કર્યાનો આક્ષેપ 

આણંદ: ભાજપ શાસિત ખંભાત નગરપાલિકાની આજે બપોર પછી યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. જેમાં રસ્તા- વાહન રિપેરિંગ, વિવિધ સામાનની ખરીદી સંદર્ભે ઠરાવ મુદ્દે વિપક્ષ કોંગ્રેસના ૧૦ સભ્યોએ ધસી આવ્યા હતા. ભારે હોબાળો મચાવી ખૂરશી- ટેબલો ઉંધા પાડી દીધા હતા. બાદમાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ પર હુમલો કરી ગાળાગાળી કરતા મામલો બિચક્યા બાદ પોલીસની મદદથી સ્થિતિને કાબૂમાં લેવાની ફરજ પડી હતી. પાંચ જેટલા કામો બહુમતીથી મંજૂર કરાયા હતા. પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપ શાસિત ખંભાત નગરપાલિકામાં પાંચ જેટલા વિવિધ કામ માટે ગુરૂવારે સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૧૦ સભ્યો હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં પ્રમુખે વિપક્ષોને રજૂઆત કરવા માટે બે મિનિટ ફાળવી હતી. ત્યારબાદ એજન્ડાના કામ નં.૪ ઉપરથી પ્રમુખ સ્થાનેથી કામો રજૂ કરવામાં આવતા વિપક્ષના ૧૦ સભ્યો એકાએક ઊભા થઈને પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ ધસી જઇને હોબાળો મચાવ્યો હતો. જેમાંથી કેટલાક સભ્યોએ ચીફ ઓફિસર કુણાલ પટેલને પકડીને તેમના શર્ટના બટન તોડી નાખી પકડીને ખુરશી ઉપરથી ધક્કો પણ માર્યો હતો. અન્ય સભ્યોએ પાલિકાની સભામાં બેસવા માટે રાખેલી ખુરશીઓ પણ ઉછાળીને તોડી નાખી હતી. જેને કારણે સાધારણ સભામાં હંગામો  થતા આખરે પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ખંભાત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને તુરંત જ વિરોધ પક્ષના સભ્યોને પકડીને બહાર રવાના કરી દીધા હતા. ખંભાત પાલિકાના પાંચ જેટલા કામો ભાજપની બહુમતી હોવાથી મંજૂર કરવામાં આવ્યા હતા. 

ખંભાત નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નીતિન બ્રહ્મભટ્ટે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આજે હાઇકોર્ટે પોતાના ચુકાદામાં મુદ્દા નંબર ચાર મુલતવી રાખવાનો આદેશ આપ્યો હતો જેનું અમે સાધારણ સભા પહેલા વિડિયો રેકોડગ પ્રમુખ તથા ચીફ ઓફિસરને બતાવ્યું હતું. ત્યારે પ્રમુખ અને ચીફ ઓફિસરે કોઈ લેખિત મળ્યું નથી તેવું કહીને સાધારણ સભા ચાલુ રાખતા આ વિવાદ સર્જાયો હતો. મુદ્દા નંબર ચારમાં ગાડી રિપેરિંગ, રસ્તા રિપેરિંગ, સ્મશાનના લાકડા, એમ્બ્યુલન્સ વીજળીના સામાન સહિત અન્ય ઉપયોગી સામાન સંદર્ભે ઠરાવ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકામાં મુખ્ય ગણાતી મેનેજિંગ કમિટી, લાઈટ સમિતિ, રોડ રસ્તા જેવી સમિતિઓમાં ચેરમેનોની નિમણૂક છેલ્લા ૮ મહિનાથી બાકી છે.

 પાલિકા પ્રમુખના મનસ્વી શાસન સામે વિરોધ પક્ષો વારંવાર રજૂઆત કરતા હોવા છતાં પણ સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી દેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીએ છે કે, ખંભાત નગરપાલિકામાં સાત જેટલા સભ્યોને પાલિકા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવા અગાઉ કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.