Get The App

ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત, કેન્દ્ર સરકારના આંકડામાં જ પોલ ખૂલી

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત, કેન્દ્ર સરકારના આંકડામાં જ પોલ ખૂલી 1 - image

Tribal Child Malnutrition in Gujarat: 'કુપોષણમુક્ત ગુજરાત'ના નારાં લગાવાઈ રહ્યાં છે. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવી છે તેમ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકારને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે સાંસદમાં ૨જૂ કરેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. ભાજપના શાસનમાં સરકારી યોજનાઓ થકી મળતિયા, ભ્રષ્ટ અધિકારી પોષિત થયાં છે પણ બાળકો તો કુપોષિત જ રહ્યાં છે.

પોષણનો શિકાર થયેલા બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો 

ગુજરાત સરકાર બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે તેમ છતાંય કુપોષણની સ્થિતીમાં ઝાઝો ફરક પડ્યો નથી. રાજ્યમાં કુપોષણનો શિકાર થયેલા બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની કેવી સ્થિતી છે તેનો ખુલાસો થયો છે. 

3,21,127 આદિવાસી બાળકો કુપોષિત છે

જૂન-2025 સુધી ગુજરાતમાં ઓછુ વજન ધરાવતાં આદિવાસી બાળકોની સંખ્યા 1,71,570 રહી છે જ્યારે અતિ ઓછુ વજન ધરાવતાં 1,11,862 આદિવાસી બાળકો છે. ઓછી ઉંચાઈ ધરાવતાં 37,695 બાળકો છે. કુલ મળીને 3,21,127 આદિવાસી બાળકો કુપોષિત છે.

લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવા છતાંય ગુજરાતમાં કુપોષણની સ્થિતી યથાવત 

રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના, મમતા અભિયાન સહિત ઘણી યોજનાઓ અમલમાં છે. દર વર્ષે કુપોષણ દૂર કરવાના નામે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે તેમ છતાંય ગુજરાતમાં કુપોષણની સ્થિતી યથાવત રહી છે. 

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

કુપોષણના દરમાં ચિંતાજનક હદે વધારો 

ગુજરાત કરતાં બિહાર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, કેરલા, તમિલનાડુમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી છે. ટૂંકમાં, ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં કુપોષણને લઈને વધુ ધ્યાન અપાયુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. જોકે, સરકારના દાવો એવો છેકે, જનજાગૃતિના અભાવ, આર્થિક ગરીબી, અપુરતો આહાર સહિત અન્ય કારણોસર કુપોષણની સ્થિતીમાં સુધાર આવી શક્યો નથી. કરોડો રૂપિયા બજેટ ખર્ચાયા પછી પણ કુપોષણના દરમાં ચિંતાજનક હદે વધારો થયો છે એનો અર્થ કે, મળતિયા-ભ્રષ્ટ અધિકારીઓ પોષિત થઈ રહ્યાં છે.

ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત, કેન્દ્ર સરકારના આંકડામાં જ પોલ ખૂલી 2 - image

Tags :