Get The App

રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ 1 - image


Gujarat News: રાજયમાં જાહેર રસ્તાઓ-માર્ગો તેમજ જાહેર સ્થળો પર અડચણરૂપ ધાર્મિક સ્થાનો હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલમાં બુધવારે (30 જુલાઈ) રાજય સરકાર તરફથી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાયો હતો. જેમાં જણાવાયું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી વધુના સમયગાળામાં રાજયભરમાં રસ્તામાં અડચણરૂપ 261 જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યો છે. જેમાંથી 28 ધાર્મિક સ્થળોને રિલોકેટ એટલે કે, અન્યત્ર સ્થળે ખસેડાયા છે અને 98 જેટલા ધાર્મિક સ્થાનોને નિયમિત પણ કરાયા છે.

1000થી વધુ ધાર્મિક સ્થાનોને નોટિસ ફટકારી

રાજય સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષમાહિતી રજૂ કરતાં જણાવાયું કે, આ સિવાય રાજયના 1177 જેટલા ધાર્મિક સ્થાનોના દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેના અનુસંધાનમાં કાર્યવાહી ચાલુ છે. વળી, 328 કિસ્સામાં અખબારોમાં નોટિસ આપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ

સરકારે આપી માહિતી

સરકાર પક્ષ તરફથી જણાવાયું કે, જાહેર માર્ગો અને રસ્તાઓમાં અડચણરૂપ તેમ જ જાહેર સ્થળો પર નડતરરૂપ ધાર્મિક સ્થાનોને ઓળખી અલગ તારવવા માટે વિશેષ જિલ્લા કમિટીની રટના કરવામાં આવી હતી. જે દર મહિને મીટિંગ કરીને જરૂરી વિચારણા હાથ ધરી સૂચનાઓ જાહેર કરતી. આવા નડતરરૂપ કે અડચણરૂપ ધાર્મિક સ્થાનો ધરાવતા જિલ્લાઓ અને સ્થાનોને જુદી જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં 500 થી 1000 ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લા, 300 થી 500, 200 થી 300, 100 થી 200 અને 100થી ઓછા ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ?

નવેમ્બરમાં સરકાર રજૂ કરશે નવો પ્રોસેસ રિપોર્ટ

ધાર્મિક સ્થાનોને હટાવવાની કામગીરી સરળતાથી અને ઘર્ષણ વિના શકય બને તે હેતુથી સ્થાનિક સત્તાવાળાઆ દ્વારા જે તે ધાર્મિક અગ્રણીઓ અને સ્થાનિકો સાથે પણ બેઠક કરી સંકલન હાથ ધરાઈ રહ્યું છે. સરકાર તરફથી રજૂ કરાયેલો પ્રોંગ્રેસ રિપોર્ટ રેકોર્ડ પર લીધા બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રે ની ખંડપીઠે કેસની વધુ સુનાવણી નવેમ્બર માસમાં રાખી હતી. એ વખતે સરકાર નવો પ્રોસેસ રિપોર્ટ રજૂ કરશે.

Tags :