Bullet Train Project Land Dispute : અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આજે સવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અને મંદિરની જમીનને લઈને તંગદિલીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પીપળેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરની જગ્યાને લઈને સ્થાનિકો અને તંત્ર આમને-સામને આવી ગયા હતા, જોકે ભારે રકઝક અને સમજાવટ બાદ આખરે વચલો રસ્તો કાઢવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી પીપળેશ્વર સોસાયટી પાસેના પીપળેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરની જમીન તથા રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરેલી જમીન વચ્ચે હદને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આજે ૧૧ ડિસેમ્બરની સવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસનું અલ્ટીમેટમ અને સ્થાનિકોનો વિરોધ
પોલીસની 5 જેટલી ગાડીઓ અને 50થી વધુ પોલીસ કર્મીઓના કાફલા સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને ચેતવણી આપી હતી કે, રેલવે દ્વારા બુલેટ ટ્રેન માટે ફાળવેલી આ જગ્યા 15મિનિટમાં ખાલી કરી દેવામાં આવે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીના વિરોધમાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને 'રામધૂન' બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
બંને પક્ષો વચ્ચે રકઝક બાદ પોલીસે બંને પક્ષે સમજાવટ કરી હતી. બુલેટ ટ્રેનના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત વાતચીત કર્યા બાદ બંને પક્ષો વચ્ચે જમીનની માપણી અને જગ્યા બાબતે ચર્ચા થઈ હતી. મંદિરમાં જવા માટેની જગ્યા બાબતે સમાધાન થયું હતું અને સંપૂર્ણ જે જગ્યા લેવાની હતી એની જગ્યાએ થોડી જગ્યા છોડી અને બાકીની જગ્યામાં પતરા મારવા અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇ સાથે રહી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને જમીનની જગ્યા માટેની માપણી કરાવવામાં આવી હતી. મોટાભાગની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા માપણી કરી દેવામાં આવી છે. જેથી મંદિરમાં જવાની જગ્યા ખૂબ નાની બની ગઈ છે. આ જમીન માટે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ કલેક્ટરથી લઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ ચર્ચા કરી ચૂક્યા છે. હાલ પૂરતી મંદિરની જગ્યા પાસે રામધૂન ચાલુ રાખવામાં આવી છે.


