કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરે માથાભારે ગુંડા ટોળકી સાથે મળીને કાકા સસરા પર કરેલા હુમલાના CCTV વાયરલ
Vadodara Crime : કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરે પહેલા કાકા સસરા સાથે ફોન પર ગાળા ગાળી કરી બાદમાં ગુંડાઓ પાસે માર મરાવ્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં માથાભારે ગુંડા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું દેખાય છે.
જાણીતા કાન્હા બિલ્ડર ગ્રુપ અવાર નવાર વિવાદમાં આવતું રહ્યું છે ત્યારે ફરી એકવાર પરિવારના આંતરિક ઝઘડામાં કાના ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરે તેના કાકા સસરા જગદીશભાઈ પર હુમલો કરાવવા માથાભારે ગુંડા તત્વોની ટોળકીનો ઉપયોગ કર્યો હતો.
છાણી હરીભાઇ એસ્ટેટ ખાતે રહેતા જગદીશભાઈ ઠક્કર દુમાડ શિવ લોજિસ્ટિક ટ્રાન્સપોક્ટ ઓફિસમાં નોકરી કરે છે. તેમના મોટા ભાઇ લાલજીભાઇ ઠક્કરની દીકરીના લગ્ન ઇલોરાપાર્ક સ્થિત આમ્રકુંજમાં રહેતા અને કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કર સાથે થયા હતા. જગદીશભાઇએ આ મામલે ફરીયાદ નોંધાવી હતી કે, ધવલને દારૂ પીવાની ટેવ છે. તે રોજ દારૂ પીને પોતાની પત્નીને માર મારતો હતો. તેના કારણે ધવલની પત્ની વારંવાર પિયરમાં જતી રહેતી હતી. સમજાવવા જતા ધવલે ધુળેટીના દિવસે કાકા સસરા જગદીશભાઇને ફોન કરી ગાળાગાળી કરી હતી.
ગઈ રાત્રે જગદીશભાઈ પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, જગદીશભાઇ તેમના રૂમ પર સુઇ રહ્યાં હતા. ત્યારે રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ છ બાઇક અને એક મર્સિડિઝ કાર આવી હતી. મર્સિડિઝમાં કાન્હા ગ્રુપનો બિલ્ડર ધવલ ઠક્કર હતો. તેણે જોરથી બુમ પાડી કહ્યું સુનિલ, વૈભવ, શંભુ આ જગદીશ છે, તમે તેને સીધો કરી દો. જેથી ધવલની સાથે આવેલા માથાભારે તત્વોએ જગદીશભાઇ પર દંડા વડે હુમલો કર્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા તેમાં આ હુમલાખોરોએ બાજુમાં રહેતા ગણેશભાઇ નામના વ્યક્તિ પર હુમલો કર્યાનો જણાઈ આવે છે. સીસીટીવી ફૂટેજમાં જગદીશભાઇને થોડીવાર માર માર્યા પછી ધવલ ઠક્કરએ છોકરાઓને બોલાવી લીધા હતા અને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. જગદીશભાઈને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.