Get The App

કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
CBI arrests Prince


CBI arrests Prince: સીબીઆઈએ સાયબર ક્રાઈમ આચરતી રોયલ ટાઈગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલ આનંદની મુંબઈથી ધરપકડ કરી છે. દરોડામાં રોયલ ટાઈગર ગેંગ અમેરિકા તથા કેનેડાના નાગરિકોને ત્યાંની એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ધમકાવી પૈસા પડાવતી હતી. 45000ની ક્રિપ્ટો એસેટ્સ, ટેલિ ઈન્ફ્રાસ્ટ્રકચર, કેનેડા અને યુ.એસ.ના નાગરિકોને ફસાવવા માટે તૈયાર સ્ક્રિપ્ટ, કેનેડા પોલીસ અને એજન્સીઓના નકલી આઈ.ડી. પણ જપ્ત કરાયાં હતાં. 

સુત્રધાર પ્રિન્સ આનંદને મુંબઈમાંથી પકડી સીબીઆઈએ મુંબઈ ઉપરાંત અમદાવાદમાં તેના સાગરિત કૌશલ ભાવસારના અમુક ઠેકાણાઓ ઉપર દરોડા પાડયા હતા. મુંબઈની સીબીઆઈ કોર્ટે પ્રિન્સ આનંદના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મુંબઈ અને અમદાવાદમાં દરોડા પાડ્યા 

સીબીઆઈએ ઓપરેશન ચક્ર ફાઈવના ભાગરુપે ગુરૂવારે મુંબઈ અને અમદાવાદમાં વિવિધ સ્થળે પાડેલા દરોડામાં પ્રિન્સ જસવંતલાલ તથા તેની ગેંગના વિવિધ સ્થળોએથી એક સોફિસ્ટિકેટેડ ઢબે ચાલતાં સાયબર ક્રાઈમને લગતા અનેક દસ્તાવેજો તથા સાધનો અને ઉપકરણો મળ્યાં હતાં. 

કેનેડા તથા યુએસના નાગરિકોને ફસાવવા માટેની તૈયાર સ્ક્રિપ્ટસ, કેનેડાની પોલીસ તથા અન્ય એજન્સીઓના આઈડી, ટેલિકોમ ઉપકરણો વગેરે જપ્ત કરાયાં હતાં. સીબીઆઈના જણાવ્યા અનુસાર પ્રિન્સ પાસેથી 45 હજાર ડોલરની વર્ચુઅલ ડિજિટલ એસેટ્સ પણ જપ્ત કરાઈ છે.

પ્રિન્સે સાયબર અપરાધો આચરીને પુષ્કળ બેનામી સંપત્તિ જમા કરી 

પ્રિન્સ આનંદને ત્યાં દરોડામાં જાણવા મળ્યું હતું કે તે એકદમ વૈભવી જીવનશૈલી ધરાવતો હતો. તેની પાસે લકઝરી કાર્સ, ડિઝાઈનર એસેસરીઝ સહિતની મોંઘીદાટ ચીજો હતી. તે વારંવાર વિદેશ પ્રવાસ પણ કરતો હતો. તેણે સાયબર અપરાધો આચરીને પુષ્કળ બેનામી સંપત્તિ જમા કરી હોવાની પણ શંકા છે.

AI દ્વારા વોઈસ ક્લોનિંગ કરીને છેતરપિંડી કરતો 

આ ગેંગ વિદેશી સરકારી એજન્સીઓ, બેન્કો અથવા તો યુટિલિટી કંપનીઓના પદાધિકારીઓ તરીકેનો સ્વાંગ રચી અમેરિકી કે વિદેશી નાગરિકોનો સંપર્ક કરતી હતી. તેઓ આ માટે AI દ્વારા વોઈસ ક્લોનિંગનો પણ ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો વિદેશી નાગરિકોને કાયદાકીય વ્યવહારો કે અન્ય બાબતોમાં ડરાવતા ધમકાવતા હતા અને તેમને વિવિધ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા. 

ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાકીય હેરફેર કરતા

તેઓ આ નાણાકીય વ્યવહારોને છૂપાવવા માટે મોટાભાગે ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાકીય હેરફેર કરતા હતા. મુંબઈથી પ્રિન્સ જસવંતલાલ આનંદની ધરપકડ કરી સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા ભિંજાયા

રોયલ ટાઈગર ગેંગ માટે અમેરિકી એજન્સીએ ચેતવણી આપી: ફ્રેન્ક મર્ફી ઉપનામથી ગોરખધંધા

અમેરિકાની ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન્સ (એફસીસી) દ્વારા અગાઉ પણ રોયલ ટાઈગર ગેંગ સાયબર ક્રાઈમમાં સામેલ હોવા અંગે ચેતવણી અપાઈ હતી. આ ગેંગને કન્ઝ્યુમર કમ્યુનિકેશન ઈન્ફર્મેશન સર્વિસિસ થ્રેટ (સી-સીઆઈએસટી) તરીકે ઓળખાવી હતી. આ ગેંગના મુખ્ય સુત્રધારોમાં પ્રિન્સ જસવંતલાલ આનંદ તથા તેનો સાગરિત કૌશલ ભાવસાર સામેલ હોવાનું જણાવાયું હતું. એફસીસી દ્વારા ગયા વર્ષે જારી કરાયેલી એક નોટિસમાં જણાવાયું હતું કે રોયલ ટાઈગર ગેંગ દ્વારા અમેરિકાના લોકોને ગેરકાયદેસર રીતે કોલ કરી નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ રીતે આ ગેંગ કમ્યુનિકેશન નેટવર્કસમાં ગ્રાહકોના વિશ્વાસને હાનિ પહોંચાડી રહ્યા છે.

ઓટોમેટેડ કોલ્સની ‘રોબોકોલ્સ' ટેકનિકથી કેનેડાને અમેરિકામાંથી પૈસા પડાવતા હતા

રોયલ ટાઈગર ગેંગે અમેરિકી નાગરિકોને છેતરવા માટે રોબોકોલ્સ તરીકે ઓળખાતી ઓટોમેટેડ ફોન કોલ્સની ટેકનિક અજમાવતી હોવાનું જણાવાયું હતું. તેઓ ગ્રાહકોને છેતરવા માટે AI આધારિત વોઈસ ક્લોનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો ભારત ઉપરાંત અમેરિકા, યુકે તથા યુએઈમાં પણ હોવાનું જણાવાયું હતું.

કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ 2 - image

Tags :