'995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર', સાબર ડેરીની જાહેરાત બાદ પશુપાલકોના સ્ક્રીનશોટ્સ થયા વાઈરલ
Sabar Dairy News : સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે આજે (18 જુલાઈ, 2025) પાંચમા દિવસે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં હવે ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 995 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. જોકે, આ મામલે પશુપાલકોમાં હજુ નારાજગી હોવાનું સામે આવ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં પશુપાલકોના રોષ વ્યક્ત કરતાં સ્કીનશોટ્સ વાઈરલ કરીને જણાવ્યું છે કે, '995 રૂપિયાનો ભાવફેર પણ અમને મંજૂર નથી.'
'995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર'
સાબર ડેરીની બીજી જાહેરાત બાદ પણ પશુપાલકોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે પશુપાલકોએ ભાવફેર મંજૂર ન હોવાનું જણાવ્યું છે. જેમાં ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારોમાં હજુ પણ દૂધ બંધ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પશુપાલકો દ્વારા બનાવેલા સોશિયલ મીડિયા ગ્રુમમાં દૂધ ન ભરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં આંદોલન હજુ યથાવત રાખવાને લઈને પુશપાલકો સોશિયલ મીડિયામાં જણાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, સાબર ડેરીના નિયામક મંડળની આજે (18 જુલાઈ) મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેન, વાઇસ-ચેરમેન અને નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાવફેર અંગે નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો: પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત
વર્ષે 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત્ જોવા મળ્યો હતો. તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું હતું. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરવું પડ્યું હતું.