પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત
Sabar Dairy News: સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકો વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે (18 જુલાઈ, 2025) પાંચમા દિવસે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 995 રૂપિયા ચૂકવાશે. સાબર ડેરીએ ગત દિવસોમાં 990 રૂપિયાના ભાવફેરની વાત કરી હતી. જો કે, પશુપાલકોનો વિરોધ યથાવત્ રહેતાં પ્રતિ કિલો ફેટે વધુ 5 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. અગાઉ રૂ. 960 મુજબ ઍડ્વાન્સ ભાવફેર ચૂકવાયો હતો. હવે બાકીના 35 રૂપિયાનો ભાવફેર સાધારણ સભા બાદ ચૂકવાશે. ભાવફેરની રકમ ઍડ્વાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે. આમ, વિરોધ અને આંદોલન બાદ પશુપાલકોને આખરે સફળતા મળી છે.
જણાવી દઈએ કે, સાબર ડેરીના નિયામક મંડળની મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેન, વાઇસ-ચેરમેન અને નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાવફેર અંગે નિર્ણય લેવાયો છે.
વર્ષે 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત્ જોવા મળ્યો હતો. તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું હતું. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરવું પડ્યું. સાબર ડેરીમાં 15 લાખ લિટર દૂધની આવક ઘટી છે.
જણાવી દઈએ કે, અરવલ્લી જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ત્રીજા દિવસે પણ દૂધ ઉત્પાદકોએ દૂધ ભરવાનું ટાળ્યું હતું. મોટી ઈસરોલમાં નનામી કાઢીને વિરોધ કરાયો હતો. આંબલિયા ગામે પણ ચેરમેનના છાજિયા લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેઘરજમાં બે ટેમ્પા દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. જો કે, બંને જિલ્લામાં સ્વયંભૂ પશુપાલકો વિરોધ કરતાં ડેરીના સત્તાધીશો મૂંઝવણમાં મૂકાયા હતા.
પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળા સામે FIR
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યો હતો. પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાયું હતું. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને 1 હજાર ટોળા સામે FIR નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરી હતી.
હિંમત નગરના ડિવિઝનના DySPએ જણાવ્યું હતું કે, 'સાબરડેરી ખાતે ભાવફેરને લઈને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ટોળા દ્વારા પોલીસ વાહનો, સાબર ડેરીના ગેટ, ગ્રીલ સહિતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ટોળાએ પથ્થરમારો કરતાં કેટલાક પોલીસકર્મીને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના દરમિયાન અશોકભાઈ નામના વ્યક્તિનું મોત થયું હતું.'
પશુપાલકોની શું-શું છે માગ?
- કેસ પરત લેવા: પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
- મોતની તપાસ: સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
- હત્યાની ફરિયાદ: મૃતકોના મામલે હત્યાની ફરિયાદ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
- વળતરની માંગ: મૃતકના પરિવારને સરકાર અને સાબર ડેરી દ્વારા 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.