સુરતની હોટલના મહિલા વોશરૂમમાં ગુપ્તરીતે મોબાઈલ રાખીને વીડિયો બનાવનારા વિકૃતને પાસા હેઠળ જેલ ધકેલાયો
Surat News : સુરતમાં ગત 19 ઓગસ્ટના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં શહેરના પિપલોદની કે.એસ. ચારકોલ હોટલના મહિલા વોશરૂમમાં સફાઈકર્મચારીએ ગુપ્તરીતે મોબાઈલ રાખ્યો હતો. સમગ્ર મામલે પોલીસે સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ છૂપાયેલા ફોનમાં મહિલાના વીડિયો મળી આવ્યા છે. સુરેન્દ્ર મહિલાઓની જાણ બહાર તેના વોશરૂમના ઉપયોગ સમયની અંગત પળોના વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લેતો હતો. સમગ્ર મામલે વિકૃતને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં કે.એસ. ચારકોલ હોટલમાં સફાઈનું કામ કરતાં મૂળ ઝારખંડના કોડરનો વતની સુરેન્દ્ર ભુવનેશ્વર રાણા (ઉં.વ.31)એ હોટલના મહિલા વોશરૂમની એક્ઝોસ્ટ જાળીની પાછળ વીડિયો રેકોર્ડિંગ શરૂ કરીને મોબાઇલ ફોન ગોઠવ્યો હતો. જેમાં વોશરૂમમાં આવતી મહિલાના અંગત વીડિયો રેકોર્ડ થયા હતા. સમગ્ર મામલે જાણ થતાં પોલીસે આરોપી વિરૂદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 77 અને 79 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી સુરેન્દ્ર મહિલાઓની જાણ બહાર વોશરૂમનો ઉપયોગ કરવા આવતી મહિલાઓના વીડિયો રેકોર્ડ કરતો અને પછી તેના રૂમમાં જઈને વીડિયો જોતો હતો. આ પછી આરોપી વીડિયોમાંથી સ્ક્રીનશોટ પાડીને તેના અન્ય ફોનમાં ટ્રાન્સફર કરતો હતો.