નકલી IPS ઓફિસરનો પર્દાફાશ: SPના નામે 8 નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયો
Banaskantha IPS Fake ID : સોશિયલ મીડિયા પર નકલી IPS ઓફિસર બનીને લોકોને છેતરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. એક વ્યક્તિએ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક (SP) અક્ષયરાજ મકવાણાના નામ અને ફોટાનો ઉપયોગ કરીને 7-8 જેટલા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આ નકલી ઓફિસરનો અસલી SP સાથે ભેટો થતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
આવા ઠગ વ્યક્તિઓ સરકારી અધિકારીઓ, ખાસ કરીને IAS અને IPS ઓફિસર્સના નામે નકલી આઈડી બનાવતા હોય છે. આ ઠગે અક્ષયરાજ મકવાણાના નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સસ્તા ભાવે ફર્નિચર અને અન્ય વસ્તુઓ વેચવાના બહાને લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને તેમનો વિશ્વાસ જીતતો હતો. એકવાર વિશ્વાસ કેળવાઈ જાય પછી તે પૈસાની માંગણી કરતો હતો. ઘણા લોકોએ આ મેસેજ પર વિશ્વાસ કરીને પૈસા પણ ગુમાવ્યા હતા.
SP અક્ષયરાજ મકવાણાએ કરી અપીલ
આ ઘટના બાદ બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાએ લોકોને આવા ફેક એકાઉન્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, કોઈ પણ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી ક્યારેય પણ સોશિયલ મીડિયા પર રૂપિયાની માંગણી કરતા નથી. જો આવા કોઈ મેસેજ આવે તો તેની પુષ્ટિ કર્યા વિના કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવો નહીં.
પોલીસે આરોપીને ઝડપી પાડવી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયાના યુઝર્સે આવા ફ્રોડથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાઇબર ક્રાઇમમાં જાણ કરવી જોઈએ.