ગોરવા નવા યાર્ડ રોડ પર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો

વડોદરા પોલીસે ત્રણ દિવસમાં ડ્રગ્સ નો ત્રીજો કેસ કર્યો છે. જેમાં ગોરવા નવા યાર્ડ રોડ ઉપર સ્કૂટર પર ગાંજો વેચનાર ઝડપાઈ ગયો છે.
બે દિવસ પહેલા ફતેગંજ પોલીસે યુનિવર્સિટી કેમ્પસ નજીક ફતેગંજ બ્રિજ પાસેથી સ્કૂટર ઉપર ગાંજો વેચનાર કેરિયર ને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ છાણી પોલીસે બાજવા રોડ પરની સોસાયટીમાંથી 15 લાખના અફીણ સાથે પરપ્રાંતિય કેરિયરને ઝડપી પાડ્યો હતો.
ગોરવા મધુનગર થી નવા યાર્ડ જવાના રોડ પર મહાદેવજીના મંદિર પાસે સ્કૂટર ઉપર એક શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા એસ ઓ જી ની ટીમે વોચ રાખી સ્કૂટર પર ગાંજો વેચનાર રાજેન્દ્ર ઉર્ફે છોટુ ભરતલાલ બિંદ (ગોરખનાથ મંદિર પાસે ગોરવા મૂળ યુપી)ને રૂ.22,000 ઉપરાંતની કિંમતના 459 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે રાજેન્દ્ર પાસેથી સ્કૂટર, એક મોબાઇલ તેમજ રોકડા રૂ 1350 પણ કબજે કર્યા હતા. ગાંજો કોણે મોકલ્યો હતો અને કેટલા સમયથી ગાંજાનો ધંધો કરતો હતો તેની તપાસ માટે રિમાન્ડ ની તજવીજ કરવામાં આવી છે.

