અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરના ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી ચંદ્રમુખી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી AMCના ઘોર તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. મેમનગર તળાવ પાસે, રાજવી ઓપલથી મેમનગર ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર નવીન રોડ બનાવવામાં આવ્યો હોવા છતાં ગટરનાં ઢાંકણાં નાખવામાં ન આવતાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે.
મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરના ઢાંકણા ગાયબ
આ ખુલ્લી ગટરના ફોટા સાથે જયેશભાઈ શાહ નામના સ્થાનિક રહીશે આસિ. કમિશ્નર નવીન શાહને વારંવાર લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આજ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.
કાર ફસાઈ, લોકો હેરાન-પરેશાન
તંત્રની આ બેદરકારીનું પરિણામ આજે બુધવારે (3 ડિસેમ્બર) સવારે ફરી જોવા મળ્યું. સોસાયટી નજીક આવેલી ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં ફરી એકવાર કાર ફસાઈ જતાં ભારે હેરાનગતિ થઈ હતી. આ પહેલા પણ અનેક નાના-મોટા અકસ્માતો અહીં બની ચૂક્યા છે, જેમાં લોકોને ઇજા થવા ઉપરાંત તેમનાં મોંઘા વાહનોને નુકસાન પહોંચ્યું છે.
સમસ્યા માત્ર એક સોસાયટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં આવી ખુલ્લી ગટરો અને ખાડાઓથી શહેરીજનો પરેશાન છે. લોકો નિયમિતપણે ફરિયાદ કરે છે, પરંતુ તંત્ર કાં તો ફરિયાદને ધ્યાને લેતું નથી, અથવા કામગીરી એકદમ મંથર ગતિએ ચાલે છે.
આ પણ વાંચો: સુરતના કતારગામમાં બે દિવસ પહેલા બનેલા રોડ પર ભુવો પડ્યો, કામગીરી સામે પ્રશ્નાર્થ
શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવો રોડ બનાવતી વખતે ગટર પર ઢાંકણા નાખવાની કામગીરી અધૂરી મૂકવામાં આવી છે, જેના કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. લોકોનો આક્રોશ છે કે વારંવારની રજૂઆતો અને અકસ્માતો છતાં જો તંત્ર જાગતું ન હોય, તો શું તે કોઈ ગંભીર ઇજા કે જાનહાનિ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધોરણે આ ખુલ્લી ગટરો પર ઢાંકણાં નાખીને અકસ્માતોની ઘટના અટકાવવા માટે AMC પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.








