Gujarat

સુરતના કતારગામમાં બે દિવસ પહેલા બનેલા રોડ પર ભુવો પડ્યો, કામગીરી સામે પ્રશ્નાર્થ

By GS TEAM
3 Dec 20252 mins read
TukuTouch Logo
રોડ નીચે પાણીની લાઈનમાં લીકેજ થતા માટી બેસી ગઈ તેનાથી રોડ બેસી ગયો છે : કતારગામ ઝોન

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના કતારગામમાં બે દિવસ પહેલા બનેલા રોડ પર ભુવો પડ્યો, કામગીરી સામે પ્રશ્નાર્થ

Surat Corporation : ચોમાસા બાદ રસ્તા તુટવાની સમસ્યા પાલિકા માટે દિવાળી બાદ પણ યથાવત રહેવા પાણી છે. પાલિકા પુર ઝડપે તુટેલા રસ્તા રીપેર કરવા માટેની કામગીરી કરે છે તેવો દાવો કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ તો રોડ બને છે તેના કરતા ઝડપથી તુટી જતા હોવાની ફરિયાદ થઈ રહી છે. કતારગામ ઝોનમાં બે દિવસ પહેલાં રોડ બનાવવામા આવ્યો હતો પરંતુ આજે એક ભુવો પડી ગયો છે. જેના કારણે પાલિકાની રોડ બનાવવાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયાં છે. જોકે, પાલિકાના કતારગામ ઝોને રોડ નીચે પાણીની લાઈનમાં લીકેજ થતા માટી બેસી ગઈ તેનાથી રોડ બેસી ગયો હોવાનો ખુલાસો કર્યો છે પરંતુ તે લોકોના ગળે ઉતરતો નથી. 

સુરત સહિત રાજ્યમાં દિવાળી બાદ પણ રસ્તા બિસ્માર હોવાથી મુખ્યમંત્રીએ આદેશ આપતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. મ્યુનિ. કમિશનરે પણ અધિકારીઓ રસ્તા પર ઉતાર્યા હતા અને પોતે પણ નિરીક્ષણ ચાલુ કર્યું હતું. જોકે, આવી કડકાઈ છતાં પણ કેટલીક જગ્યાએ રોડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા અંબિકા નગરમાં બે દિવસ પહેલા જ રસ્તા કારપેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા આ કામગીરી હજી પૂરી થઈ નથી ત્યાં ભુવો પડી ગયો છે અને વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. 

સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે પાલિકાએ કામગીરી કરી છે તેમાં વેઠ ઉતારવમાં આવી છે તેના કારણે આ રસ્તામાં ભુવો પડ્યો છે. આવી નબળી કામગીરી કરનારા સામે શિક્ષાત્મક પગલાં ભરવામા આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે. તો બીજી તરફ પાલિકાના કતારગામ ઝોને એવો ખુલાસો કર્યો છે કે, આ રોડ નીચેથી પાણીની લાઈન પસાર થાય છે તે પાણીની લાઈનમાં લીકેજ થયું છે આ લીકેજ થયેલા પાણીના કારણે રોડ નીચેની માટી બેસી ગઈ છે અને તેના કારણે આ ભુવો પડ્યો છે અને લાઈન રીપેરીંગ કરીને રસ્તો ફરી બનાવી દેવામા આવશે. જોકે, લોકોને પાલિકાનો આ ખુલાસો ગળે ઉતરતો નથી અને કામગીરી નબળી હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.