આ કોઈ ફિલ્મી સીન નથી; અમદાવાદમાં કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી, ઘટના CCTVમાં થઈ કેદ
Ahmedabad News : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના આનંદ નગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં સદનસીબે કાર ચાલકનો બચાવ થયો હતો. અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
પ્રેરણાતીર્થ દેરાસર પાસે અકસ્માત
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે ડિવાઇડર સાથે કાર અથડાતાં પલટી મારી ગઈ હતી. રોડ વચ્ચે વૃક્ષ હોવાથી બનાવેલું ડિવાઇડર કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો હતો. ડિવાઇડર સાથે કાર ટકરાતાં પલટી મારી ગઈ હતી. જોકે, અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ઘટનાસ્થળે ડિવાઇડર પાસે સાઇનબોર્ડ મૂકવાને લઈને સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીં આ રીતે અકસ્માત સર્જાવાની ઘટનાથી ભય રહે છે.