Gujarat

છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત

By GS TEAM
6 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર 56 પર રંગપુરના જોડાવાટ ગામ પાસે એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી અર્થે આવી રહેલા શ્રમિક પરિવારોની મુસાફરી લોહીયાળ સાબિત થઈ છે. અહીં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત

Accident In Chhota Udepur: છોટા ઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર 56 પર રંગપુરના જોડાવાટ ગામ પાસે એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી અર્થે આવી રહેલા શ્રમિક પરિવારોની મુસાફરી લોહીયાળ સાબિત થઈ છે. અહીં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

નિર્દોષ ભૂલકાઓ પણ બન્યા ભોગ, 2ની હાલત ગંભીર

મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશના દિકાલ કુવાથી એક શ્રમિક પરિવાર તુફાન કારમાં બેસીને ગોંડલ મજૂરી અર્થે જઈ રહ્યો હતો. તુફાન કારનો ચાલક વધુ કમાણી કરવાની લાલચમાં નિર્દોષ શ્રમિકોના જીવ જોખમમાં મૂકીને હાઇવે પર 'મોતની સવારી' દોડાવી રહ્યો હતો. કારની અંદર 20 જેટલા મુસાફરોને ઠસોઠસ ભરવામાં આવ્યા હતા, એટલું જ નહીં પણ કારની ઉપર કેટલીક બાઈક પણ લાદેલી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર નાના ભૂલકાઓ સહિત તમામ મુસાફરો ચિચિયારીઓ પાડી ઉઠ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જે પૈકી બેથી વધુ મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ તુફાન કારનો ચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર ફર્યું, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડાયા

પોલીસ એક્શન બેઅસર? કાયદાના લીરેલીરા ઉડાવતા વાહનચાલકો

આ ઘટનાએ હાઇવે પર દોડતા ગેરકાયદે અને ઓવરલોડ વાહનો સામે મોટા સવાલો ઊભા કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, હજુ ત્રીજી જૂના રોજ જ પોલીસે બાતમીના આધારે કાયદાના લીરેલીરા ઉડાવતી આવી 5 ઓવરલોડ ગાડીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એ વાહનોમાં એક-એક ગાડીમાં 25થી 30 મુસાફરો, છત પર બાઇકો અને સામાનના મોટા પોટલા ભરીને સૌરાષ્ટ્ર તરફ ખેતમજૂરી માટે લઈ જવાઈ રહ્યા હતા.

પોલીસની આ કડક કાર્યવાહી છતાં પણ આવા આવા તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. શ્રમિકોની લાચારીનો ફાયદો ઉઠાવીને વાહનચાલકો હજુ પણ બેરોકટોક જોખમી મુસાફરી કરાવી રહ્યા છે, જેનું પરિણામ આજે આ ગમખ્વાર અકસ્માત તરીકે સામે આવ્યું છે.