Get The App

અમદાવાદ: મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર ફર્યું, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડાયા

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર ફર્યું, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડાયા 1 - image


AMC Demolishes: અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ નજીક આવેલા મકાનોના ગેરકાયદે બાંધકામ પર આજે (છઠ્ઠી જૂન) સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પશ્ચિમ ઝોન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રએ અહીં આવેલા 17 મકાનોના ગેરકાયદે ભાગને તોડી પાડ્યા હતા. તંત્રના જણાવ્યાનુસાર, સ્થાનિકોને અગાઉ ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં મકાનો ખાલી ન કરાતા આ આખરી પગલું ભરવામાં આવ્યું હતું.

તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ 

મળતી માહિતી અનુસાર, શનિવારે સવારે જ્યારે AMC અને પોલીસનો મોટો કાફલો મોટેરા જૂના ગામમાં પહોંચ્યો ત્યારે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રહેવાસીઓ પોતાના મકાનના દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અધિકારીઓને કામગીરી કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને AMCના અધિકારીઓએ માઇક પર એનાઉન્સમેન્ટ કરીને સ્થાનિકોને સામાન હટાવવા અને મકાન ખાલી કરવા માટે માત્ર 30 મિનિટનો સમય આપ્યો હતો. આ સૂચના મળતા જ સ્થાનિકો વધુ વિફર્યા હતા.

JCB પ્રવેશતા જ ચીસાચીસ 

તંત્ર દ્વારા આપવામાં આવેલી 30 મિનિટની અવધિ પૂર્ણ થતાં જ ગામમાં જેસીબી (JCB) મશીનોએ પ્રવેશ કર્યો હતો અને તોડફોડ શરૂ કરી હતી. ઘર તૂટતા જોઈને નાના બાળકો રડવા લાગ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દરમિયાન તંત્રની કાર્યવાહીથી નારાજ એક સ્થાનિક યુવકે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક તેની અટકાયત કરી લીધી હતી.

કોન્સ્ટેબલની પરીક્ષા આપતી દીકરી રડી પડી

આ ડિમોલિશનમાં અનેક પરિવારો બેઘર બન્યા છે, જેમાં એક મા-દીકરીની લાચારીએ સૌકોઈને હચમચાવી દીધા હતા. નિરાશા અને આક્રોશ સાથે એક માતાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો કે, 'બેટી પઢાવો... કશું તંબુરો નથી થતું! આજે મારી દીકરીની પરીક્ષા હતી અને આ લોકોએ અમારું મકાન તોડી નાખ્યું.'

સ્થાનિકોના ભારે વિરોધ અને આંસુઓ વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કામગીરી ચાલુ રાખીને ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં ભારે તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.