મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત
Images Sourse: IANS |
World Head and Neck Cancer Day: ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. હાલ કેન્સરના જે કેસ નોંધાય છે તેમાંથી 30થી 35 ટકા હેડ એન્ડ નેક કેન્સરના કેસના સંબધિત હોય છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઇ) ખાતે છેલ્લાં 5 વર્ષમાં 77.650 દર્દીઓએ અહીં સારવાર મેળવી હતી, જેમાંથી 25,408 એટલે કે 33% મોં અને ગળાના કેન્સરના દર્દીઓ હતા.
તમાકુનું સેવન કરવાથી હેડ એન્ડ નેકના કેન્સરના કેસમાં વધારો
વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે 27 જુલાઈના ઊજવવામાં આવે છે. 50થી ઓછી વયે હેડ એન્ડ નેકના કેન્સરના કેસનું ગુજરાતમાં પ્રમાણ બે દાયકા અગાઉ 36.5 ટકા હતું અને તે હવે વધીને 47.4 ટકા થયું છે.
માવા, બીડી, સિગારેટ, ગુટખા એમ વિવિધ રીતે તમાકુનું સેવન કરવાથી હેડ એન્ડ નેકના કેન્સરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તમાકુનું સેવન યુવા વયે કરનારા વધી રહ્યા છે અને આ કારણે નાની વયે જ હેડ એન્ડ નેકના કેન્સરના કેસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાંથી 80 ટકામાં પુરુષ દર્દી હતા. આ ઉપરાંત 30-39ની વયજૂથમાં પુરુષ દર્દીમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસનું પ્રમાણ 2005માં 12.3 ટકા હતું, જે 2024માં વધીને 17.2 ટકા થયું હતું.
જીસીઆરઆઇના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, 'તમાકુનું વ્યસન મોં અને ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે. લોકોએ મહિને એકવાર મોંની જાત-તપાસ કરવી જોઈએ. મોં ખોલવામાં તકલીફ, કાળા-સફેદ ડાઘ, ખોરાક ગળવામાં મુશ્કેલી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.'
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ
સિવિલની કેન્સર હોસ્પિટલમાં વર્ષે 12 હજાર સર્જરી
•ઓક્ટોબર 2021થી શરૂ થયેલી કેન્સર સ્ક્રીનિંગ ઓપીડી દ્વારા સરેરાશ 49 હજારથી વધુ લોકોએ વિનામૂલ્યે સ્ક્રીનિંગનો લાભ લીધો, જેમાં 104માં કેન્સરના કેસો ઓળખાયા.
•દર વર્ષે સરેરાશ 5,453 મેજર અને 6,494 માઇનર સર્જરીઓ.
•કિમોથેરેપીના વાર્ષીક સરેરાશ 48,568 સત્રો.
•રેડિયોથેરાપી: 5,906 દર્દીઓને સરેરાશ દર વર્ષે સારવાર.
•2024માં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં બેડ ક્ષમતા 4થી વધારી 11 કરવામાં આવી.
•દર વર્ષે 100થી વધુ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન.
•કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરેપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.