કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા, બોટ પણ જપ્ત
AI Image |
Kutch News : ગુજરાતના કચ્છ જિલ્લાના કોરી ક્રીક વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ 15 પાકિસ્તાની માછીમારોને દબોચી પાડ્યા છે. BSFની પેટ્રોલિંગ ટીમને આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળી હતી, ત્યારબાદ સૈનિકોએ પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. BSFને જોઈને બોટ પર હાજર કેટલાક લોકો ભાગી ગયા હતા, પરંતુ 15 માછીમારોને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી મળેલી વસ્તુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા
મળતી માહિતી મુજબ, કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચીને બોટ પણ જપ્ત કરી છે. આ શખ્સો ગેરકાયેદ રીતે ભારતીય બોર્ડરમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હતા. ઝડપાયેલા લોકો પાસેથી ખાવા-પીવાની વસ્તુ, મોબાઈલ ફોન અને અન્ય જરૂરી સામગ્ર મળી આવી છે.
તમને જણાવી દઈએ કે, કચ્છના કોરી ક્રીક વિસ્તારને ભારત-પાકિસ્તાન બોર્ડરનો સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં દરિયાઈ માર્ગથી ઘૂસણખોરી કરી શકવાની સંભાવના રહે છે. સમગ્ર ઘટનાને લઈને BSFએ ઘટનાસ્થળ નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે અને સુરક્ષદળોને તૈનાત કરી દેવાયા છે.
BSFના અધિકારીએ શું કહ્યું?
BSFના અધિકારીએ જણાવ્યું કે, પકડાયેલા ઘૂસણખોરોની ઓળખ અને તેમના ઉદ્દેશ્યની માહિતી મેળવામાં આવી રહી છે. BSFની તત્પરતા અને સમયસર કાર્યવાહીથી ઘૂસણખોરીની મોટી યોજના નિષ્ફળ ગઈ.
જ્યારે અધિકારીઓ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે સરહદ પર સતત દેખરેખ અને પેટ્રોલિંગ ચાલુ રહેશે. સ્થાનિક વહીવટીતંત્રે એમ પણ કહ્યું કે, 'બોર્ડર સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે અને વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવશે. આ કાર્યવાહીથી વિસ્તારમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે.'