Get The App

VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય 1 - image

Subhash Bridge In Ahmedabad : અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો AMCએ નિર્ણય લીધો છે. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાંથી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાષ બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટ્સને જવાબદારી સોંપવામાં આવી છે. આ બ્રિજના જે સ્પાનમાં તિરાડ પડી છે અને અમુક ભાગ બેસી ગયો છે, તે અંગે ત્રણ જેટલાં બ્રિજ કન્સલ્ટન્ટ્સ અને રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે ચર્ચા-વિચારણા અને બેઠકો યોજાઈ છે. તેવામાં આખા બ્રિજની બારીકાઈથી તપાસ થવાની છે, ત્યારે સુભાષ બ્રિજ પર લાંબા બ્રેકનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ મામલે AMC ટૂંક સમયમાં મોટો નિર્ણય લેશે.

આખા બ્રિજની બારીકાઈથી થશે તપાસ

અમદાવાદના સુભાષ બ્રિજમાં ક્ષતિ સર્જાતાં હાલ બંધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા હાલમાં તૂટેલા સ્પાનને રીપેર કરવો કે પછી આખો તોડીને નવો બનાવવો તે અંગે બેથી ત્રણ અલગ-અલગ વિકલ્પો નક્કી કરવામાં આવ્યા છે. સુભાષ બ્રિજને કેવી રીતે રીપેર કરવો તેના માટે પણ કન્સલ્ટન્ટ્સ પાસેથી જુદા-જુદા સોલ્યુશન્સ મેળવવામાં આવી રહ્યા છે, અને આગામી બેથી ત્રણ દિવસમાં આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા આજે(5 ડિસેમ્બર) બપોર પછી સુભાષ બ્રિજ પર સત્તાવાર તપાસની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. અહીં અધિકારીઓ અને કન્સલ્ટન્ટ્સની ટીમ દ્વારા બ્રિજના અસરગ્રસ્ત ભાગને માપવામાં આવ્યો છે, જેમાં તિરાડ કેટલા ફૂટ લાંબી અને કેટલી પહોળી છે તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજના નુકસાનના ભાગોનું ચેકિંગ કરીને તે કેટલા પ્રમાણમાં થયું છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: સુભાષ બ્રિજ તિરાડ વિવાદ! 3 મહિના પહેલાંના ઇન્સ્પેક્શનની પોલ સામે આવી, રિપોર્ટ જાહેર કરવા વિપક્ષની માગ

નોંધનીય છે કે, એક મહિના અગાઉ બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તેમાં માત્ર બેરિંગ બદલવા અને માઇનોર રીપેરિંગ કરવા માટેની જ ભલામણ કરવામાં આવી હતી.