તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ
BPL Ration Card Holder: ગુજરાતમાં બી.પી.એલ રાશનકાર્ડ ધારક માટે જન્માષ્ટમીના તહેવારો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે. જેમાં ખાદ્ય તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે 1 લિટર પાઉચ 100 રૂપિયાના રાહત દરે અપાશે. આ ઉપરાંત બી.પી.એલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા. ખાંડ રાહત દરે વિતરણ કરવામાં આવશે.
રાશન રાહત દરે મળશે
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક પરિવારને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1 કિ.ગ્રા. 30 રૂપિયા પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે મળશે. જ્યારે તુવેરદાળ 1 કિ.ગ્રા. 20 રૂપિયા પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરાશે. આ ઉપરાંત NFSA હેઠળના અંત્યોદય, અગ્રતા ધરાવતા દરેક પરિવાર તથા નોન નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ બી.પી.એલ રાશનકાર્ડ ધારકોને મીઠું કાર્ડદીઠ 1 કિ.ગ્રા. 1 રૂપિયા પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે આપવામાં આવશે.
આ પણ વાંચો: પંચમહાલના શહેરામાં MGVCLએ અચાનક હાથ ધર્યું વીજ ચેકિંગઃ 15 લાખથી વધુની ચોરી ઝડપાઇ
ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીનો તહેવાર લાભાર્થીઓ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગષ્ટ 2025ના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય તે માટે જણસીઓની ફાળવણી જુલાઈમાં કરવામાં આવી છે. આ ઉપરાંત આ ફાળવણીના ચલણ/પરમીટ અન્વયે જથ્થાની ડોરસ્ટેપ વિતરણની કામગીરી પણ ચાલી રહી છે.