ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા
Mobile Blast in Botad : બોટાદના અશોક વાટિકા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક યુવકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન અચાનક ફાટ્યો હતો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે દાઝી ગયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના અશોક વાટિકામાં રહેતો એક યુવક છેલ્લા પાંચ વર્ષથી જે મોબાઈલ ફોન વાપરી રહ્યો હતો, તે એકાએક ફાટ્યો હતો. યુવક મોબાઈલને પોતાના ખિસ્સામાં મૂકી રહ્યો હતો ત્યારે અચાનક એક ધડાકો થયો હતો અને મોબાઈલ સળગી ઉઠ્યો હતો.
આ પણ વાંચો: નર્મદા ડેમ ના 5 દરવાજા ખોલી 1.36 લાખ ક્યુસેક પાણી છોડાયું, મહત્તમ સપાટીથી 7 મીટર દૂર
આ ઘટનામાં યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સળગતા મોબાઈલને યુવકે તાત્કાલિક ખિસ્સામાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ તે પહેલાં જ તે દાઝી ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના મોબાઈલમાં મેસેજ ડિલિટ કર્યા બાદ તરત જ બની હતી. જોકે, મોબાઈલ ફાટવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાદ મોબાઈલ ફોન યુઝર્સમાં ભયનો માહોલ ફેલાયો છે.