Get The App

બોટાદ: હડદડની કૃષિ મહા પંચાયતમાં ઘર્ષણ બાદ ગામમાં SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
બોટાદ: હડદડની કૃષિ મહા પંચાયતમાં ઘર્ષણ બાદ ગામમાં SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો 1 - image


Botad Mahapanchayat News : બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઓક્ટોબરે) યોજાયેલી કૃષિ મહા પંચાયતને પગલે રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પંચાયત દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ તથા સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના પરિણામે પોલીસે તાત્કાલિક અસરથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાતોરાત SRPFની કંપનીનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પોલીસે દાવો કર્યો હતો કે આ પંચાયતનું આયોજન મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. જેને રોકવા માટે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપો છે, જેના જવાબમાં પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે આ ઘટના બાદ અનેક લોકોની અટકાયત પણ કરી છે.

આ પણ વાંચો: બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત

આ સમગ્ર ઘટના મામલે પોલીસે AAPના નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત કુલ 85 વ્યક્તિઓ સામે હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિત અન્ય ગંભીર ગુનાઓ હેઠળ કેસ દાખલ કર્યા છે.

હડદડ ગામમાં SRPF તૈનાત

બોટાદમાં બનેલા આ બનાવ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ મહાનિદેશકની ઓફિસ ગાંધીનગરથી 12મી ઓક્ટોબરની રાત્રે જ બોટાદ ખાતે SRPFની કંપનીને તાત્કાલિક રિપોર્ટ કરવાના આદેશો પસાર કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ગામમાં પ્રવર્તી રહેલી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે SRPF રાત્રીભર તૈનાત છે. પોલીસે જણાવ્યું હતું કે હાલ હડદડ ગામમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે અને ગામમાં કડક પોલીસ તેમજ SRPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહા પંચાયતમાં જોડાવા જઈ રહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પણ બગોદરા ખાતે અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મહા પંચાયતનું આયોજન બોટાદમાં કપાસના વેપારીઓના 'કડદા' વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને કપાસના ભાવ અને જિનિંગ મિલ મુદ્દે રજૂઆત કરવાની હતી.

Tags :