ક્લબ O7માં ડાન્સ પાર્ટીમાં દારૂ પીધેલા હાલતમાં છ લોકોને ઝડપી લેવાયા
પાર્ટી આયોજક અને યુવતી સહિત નવ શખ્સોની ધરપકડ
એટીસી મેનેજમેન્ટ કંપનીએ ડાન્સ પાર્ટી યોજી હતીઃ અગાઉ પણ હેમલ દવેએ દારૂ-બિયર સાથેના પાર્ટી યોજી હોવાની શક્યતાને આધારે તપાસ શરૂ
અમદાવાદ,રવિવાર
શેલામાં આવેલા ક્લબ ઓ સેવનમાં આવેલા ધ ફોરમ નામના હોલમાં ચાલી રહેેલી ડાન્સ પાર્ટીમાં બોપલ પોલીસે દરોડો પાડીને દારૂના નશામાં ડાન્સ કરી રહેલી એક યુવતી સહિત છ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. જ્યારે પાર્ટીના આયોજક સહિત ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ ક્લબમાં યોજવામાં આવતી ડાન્સ પાર્ટીમાં આવતા લોકોને ડિમાન્ડ મુજબ દારૂ-બિયરનો સપ્લાય કરવામાં આવતી હોવાની વિગતો પણ પોલીસને મળી છે. જેના આધારે તપાસ શરૂ કરી છે.
શેલામાં આવેલા અને અમદાવાદના જાણીતા ક્લબ ઓ સેવનમાં આવેલા ફોરમ હોલના ડાન્સ ફ્લોર પર શનિવારે રાતના ચાલી રહેલી પાર્ટીમાં કેટલાંક લોકો માટે આયોજકે દારૂ-બિયરનો જથ્થો આપ્યો છે અને દારૂ પીધેલી હાલતમાં કેટલાંક લોકો હોવાની બાતમી બોપલ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સેક્ટર બી ટી ગોહિલ અને સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં ૨૦૦ જેટલા લોકો હાજર હતા. પોલીસે તપાસ કરી ત્યારે દારૂની બોટલો અને બિયર મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસે રીતીકા શર્મા ( સગુન પેલેસ, શીવરંજની), રાહુલ ગોસ્વામી (નવી ચાલી, સૈજપુર બોઘા), ભાવેશ પવાર (ગણેશપુરા, શાહપુર), આસુતોષ શાહ ( વિજય પાર્ક સોસાયટી, મણીનગર ઇસ્ટ), શનિ પંડયા (નહેરૂનગર, એચ કોલોની) અને પૃથ્વીરાજ ડોડલા ( ગાલા આર્યા, સાઉથ બોપલ), ચિરાગ ઘાનક ( યોગીપુષ્પ એપાર્ટમેન્ટ,વસ્ત્રાપુર), રાહુલ ચહલ (આકાશ રેસીડેન્સી, શેલા), હેમલ દવે (સત્યમ સ્ટેટસ, જોધપુર ચાર રસ્તા)ને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યુ કે કલબમાં એટીસી મેનેજમેન્ટ કંપની દ્વારા ટેકનો મ્યુઝીક પાર્ટી યોજાઇ હતી. માં ૨૦૦ જેટલા લોકો પાસ લઇને આવ્યા હતા. જ્યારે હેમલ દવેએ મેનેજમેન્ટ કંપની વતી કામ કરતો હતો. તેણે દારૂની વ્યવસ્થા કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. ત્યારે ૨૦૦ લોકો પૈકી હજુ ૬૦ થી ૭૦ લોકો શંકાસ્પદ હોવાથી તેમની તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત પોલીસે રાતના સાડા બાર વાગ્યા બાદ પણ પાર્ટી ચાલુ રાખીને જાહેરનામના ભંગનો પણ ગુનો નોંધ્યો છે. ત્યારે શહેરની જાણીતી કલબ ઓ સેવનમાં ડાન્સ પાર્ટીમાં દારૂનો કેસ થતા અનેક સવાલ ઉભા થયા છે.