દારૃ ભરેલી કારને ઝાડ સાથે અથડાવી બુટલેગરો ફરાર

ગાંધીનગર એલસીબીની ટીમે ઇટાદરાથી પીછો કરતા
પોલીસે દારૃ અને કાર મળી ૧૩.૯૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરોની શોધખોળ આદરી
ગાંધીનગર : ગાંધીનગર એલસીબી દ્વારા બાતમીના આધારે ઈટાદરા ખાતેથી દારૃ ભરેલી કારનો પીછો કરવામાં આવ્યો હતો અને બુટલેગરો દ્વારા આદરજ પાસે કારને ઝાડ સાથે અથડાવી દેવામાં આવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો મળી ૧૩.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે
ત્યારે તેને અટકાવવા માટે પોલીસ દોડી રહી છે. ગાંધીનગર એલસીબી ટુની ટીમ ગઈકાલે
માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઇટાદરા પાસેથી એક દારૃ ભરેલી કાર
પસાર થવાની હોવાની બાતમી મળી હતી જેના પગલે પોલીસને વોચ ગોઠવી હતી અને આ કાર આવતા
તેને ઉભી રહેવા માટે ઇશારો કર્યો હતો જોકે તેમનો સવાર બુટલેગરો પોલીસને જોઈ કાર
દોડાવી દીધી હતી. જેના પગલે પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને કાર
ચાલક ઇટાદરા ચોકડીથી ઘેધુ ચોકડી,
બાલવા ચોકડી, રાંધેજા
ચોકડી થઈને ગાંધીનગર ટાટા ચોકડી થઈને કોલવડા થઈ આદરજ ગામ રેલ્વે ફાટક પાસે ગાડીને
ગફલતભરી રીતે હંકારતા રોડની સાઈડમાં એક ઝાડ સાથે અથડાવીને ગાડી મૂકીને નાસી ગયો
હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૃની ૧૧૭૬ જેટલી નાની મોટી બોટલ મળી આવી
હતી. જેથી ૩.૯૭ લાખ રૃપિયાનો દારૃ અને કાર મળી કુલ ૧૩.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત
કરવામાં આવ્યો હતો અને આ સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને ફરાર થઈ
ગયેલા બુટલેગરોને શોધવા માટે દોડધામ શરૃ કરી હતી.

