પોલીસ કસ્ટડીમાં રહેલી યુવતીના મેઇલ પરથી આજે હાઈકોર્ટમાં બોમ્બની ધમકી, મેઇલ શિડ્યુલ કર્યાની આશંકા
Gujarat High Court: દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈ-મેઇલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના છેલ્લાં બે દિવસથી વડોદરામાંથી સામે આવી રહી છે. જેમાં શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ફરી ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. જોકે, થોડા જ સમય બાદ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઇલ મળ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં 9 જૂને પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. જોકે, રાજકોટનો મેઇલ કઈ આઈડી પરથી મળ્યો છે, તે વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. હાલ, પોલીસ આ વિશે તપાસ કરી રહી છે.
પોલીસે શરૂ કર્યું સર્ચ ઓપરેશન
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટને મંગળવારે (24 જૂન) બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
આ પણ વાંચોઃ વડોદરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઃ પોલીસે હાથ ધરી તપાસ
ઈ-મેઇલમાં શું લખ્યું હતું?
મંગળવારે (24 જૂન) 7:55 વાગ્યે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના અધિકારીઓ (સીપીસી અને રજિસ્ટ્રાર જનરલ)ને રેની જોશીલદા (ઈ-મેઇલ: renee_joshilda@hotmail.com) તરફથી તેમના ઈ-મેઇલ આઈડી cpc-guj@aij.gov.in અને rg-hi-guj@nic.in પર એક ઈ-મેઇલ મળ્યો હતો. ઈ-મેઇલમાં ધમકી આપવામાં આવી હતી કે, ગુજરાત કોર્ટ કોમ્પ્લેક્સ પરિસરમાં 3 RDX આધારિત IED મૂકવામાં આવ્યા છે અને એક VIPને નિશાનો બનાવવામાં આવશે. ગુજરાત રાજ્યના તમામ કોર્ટ સંકુલમાં IED મૂકવામાં આવ્યા છે.
ચીફ જસ્ટિસે કોર્ટ ખાલી કરવાનો કર્યો ઈનકાર
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને તમામ કોર્ટ પરિસરમાં તેમજ ખાસ કરીને તમામ જિલ્લા સ્તરની કોર્ટમાં AS તપાસની કામગીરી સોંપી છે. જોકે, ચીફ જસ્ટિસે આ વખતે ગઈ વખતની જેમ કોર્ટ ખાલી કરવાનો ઈનકાર કર્યો છે.
સોમવારે પકડાયેલા આરોપી સાથે કનેક્શન?
ઉલ્લેખનીય છે કે, સોમવારે (23 જૂન) ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. આજે હાઈકોર્ટમાં જે મેઈલ મળ્યો તે પણ આ જ આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ જ આરોપી દ્વારા મેઇલ શેડ્યૂલ કરવામાં આવ્યા હોય શકે.
આ પણ વાંચોઃ સુરતમાં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર બેટિંગ, તમામ સરકારી સ્કૂલોમાં રજા જાહેર
એક જ મહિનામાં બે વાર મળી ધમકી
નોંધનીય છે કે, આ પહેલાં આ જ મહિને 9 જૂનના દિવસે હાઈકોર્ટના ઈ-મેઇલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈ-મેઇલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈ-મેઇલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા અને ડોગ-સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી હતી અને ઈ-મેઇલના મોકલનાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, હજુ એ તપાસમાં કંઈ સામે આવે તે પહેલાં જ એક જ મહિનામાં બીજી વાર હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે.
વડોદરાની શાળાઓને પણ મળી ધમકી
વડોદરામાં પણ મંગળવારે (24 જૂન) રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ, બોમ્બ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શાળાના પ્રિન્સિપાલના મેઇલ આઈડી પર આ ધમકી મળી હતી. જેમાં લખ્યું હતું કે, 'સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે'. આ મુદ્દે માહિતી મળતાવી સાથે જ પોલીસ સહિત બોમ્બ સ્ક્વૉડની ટીમે તપાસ હાથ ધરી છે અને તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળામાંથી રજા આપી દેવાઈ છે.
એક દિવસમાં ગુજરાતની બે જગ્યાએ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી
આ પહેલાં સોમવારે (23 જૂન) પણ વડોદરાની અન્ય એક નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસ અને બોમ્બ સ્ક્વૉડની ટીમે લગભગ સાડા ત્રણ કલાક તપાસ કર્યા બાદ પણ કશું હાથ લાગ્યું નહતું. ત્યારે આજે ફરી એક દિવસમાં બે જગ્યાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી સામે આવી છે.