રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ત્રણ સગા ભાઈ સહિત ચાર યુવાન ડૂબી ગયા હતા. આ દુર્ઘટના 28 ઓક્ટોબરે સર્જાઈ હતી. જ્યારે 29 ઓક્ટોબરે અમરેલી ફાયર વિભાગે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી મેરામભાઈ પરમારનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. હવે રાજુલાની ઝાંપોદર ગામની નદીમાંથી વધુ એક પીન્ટુ વાઘેલા નામના યુવકનો પણ મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ, અન્ય બે યુવકમાં કાના અને ભરત પરમારની શોધખોળ ચાલી રહી છે.

ઘટના સ્થળથી 6 કિ.મી. દૂર મૃતદેહ મળ્યો
આ દુર્ઘટનામાં ધારેશ્વર ગામ નજીકની ધાતરવડી નદીમાં ત્રણ સગા ભાઈ સહિત કુલ ચાર યુવાન ડૂબી ગયા હતા. જો કે, પીન્ટુ વાઘેલા નામના યુવકનો મૃતદેહ ઘટના સ્થળેથી 6 કિ.મી. દૂર સ્થાનિકોએ શોધી કાઢ્યો છે.
અત્યાર સુધી બે યુવકના મૃતદેહ મળ્યા
રાજુલાના બર્બટાણા ગામના આ ચારેય યુવકો 28 ઓક્ટોબરે ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયા હતા. એ વખતે નદીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈને ડૂબી ગયા હતા. આ દરમિયાન અમરેલી ફાયર વિભાગે આખી રાત અને સવારે પણ સઘન શોધખોળ કરીને સૌથી પહેલા મેરામભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

ડૂબેલા યુવાનોની ઓળખ
ધાતરવડી નદીમાં ડૂબી ગયેલા યુવકોની ઓળખ બર્બટાણા ગામના રહેવાસીઓ તરીકે થઈ છે. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મેરામભાઈ પરમાર સાથે કાના પરમાર, ભરત પરમાર અને પીન્ટુ વાઘેલા પણ ડૂબી ગયા હતા.

તંત્ર અને રાજકીય આગેવાનો ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, કોસ્ટગાર્ડ અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઈન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ચાર યુવાનો ડૂબ્યાની માહિતી મળતા જ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. કોસ્ટગાર્ડ ટીમને પણ બોલાવી લેવાઈ હતી.
નોંધનીય છે કે, હાલ ધાતરવડી નદીના પ્રવાહમાં અમરેલી ફાયર ટીમ અને NDRFની ટીમ પણ અન્ય બે યુવકની શોધખોળ કરી રહી છે.
બે યુવકના મૃતદેહ મળ્યા
- મેરામભાઈ ખીમાભાઈ પરમાર
- પીન્ટુ પાંચાભાઇ વાઘેલા

