Operation Sindoor: કચ્છ-ભુજમાં બ્લેકઆઉટ, જમ્મુ-જેસલમેરની ઘટના બાદ ભારતીય સેના ઍલર્ટ
Blackout In Kutch : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે ગુરુવારે (8 મે, 2025) મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાન ડ્રોન હુમલાની સ્થિતિને લઈને ગુજરાતના કચ્છ-ભુજ, નલિયા, નખત્રાણા સહિતમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે.
કચ્છના ત્રણ બંદરો પર પ્રતિબંધ
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. જેમાં ગુજરાતના કચ્છના ખાવડા નજીક કોટડા ગામ પાસે શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાઈને તૂટી પડ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ દરમિયાન ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે, ત્યારે મત્સ્ય વિભાગ દ્વારા ગુજરાતના કચ્છના ત્રણ બંદરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ની કલમ 7 હેઠળ નારાયણ સરોવર, જખૌ અને લખપત બંદર પર તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ
પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસના પગલે ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે. S-400, L-70, ZSU-23 અને શિલ્કા એર ડિફેન્સ સિસ્ટમ હાલ તૈનાત કરી દેવાઈ છે. પાકિસ્તાનના ડ્રોન એટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ઇન્ટરસેપ્ટ કરી રહી છે, એટલે કે ભારતની મિસાઇલ સિસ્ટમ આ ડ્રોનને આકાશમાં જ તોડી પાડી રહી છે. ભારતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ ઍલર્ટ છે. સુરક્ષા એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે, જમ્મુ ઍરપોર્ટ, સાંબા, આરએસ પુરા, અરનિયા અને પાડોશી વિસ્તારોમાં પાકિસ્તાનથી 8 મિસાઇલો છોડવામાં આવી અને તમામને S-400 દ્વારા તોડી પડાઈ છે.