માછીમારો માટે મોટા સમાચાર: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં માછીમારી પર પ્રતિબંધ, તમામ બોટ પરત બોલાવી લેવાઈ
પ્રતિકાત્મક તસવીર |
Kutch News : ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. જેમાં ગુજરાતના કચ્છના ખાવડા નજીક કોટડા ગામ પાસે શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાઈને તૂટી પડ્યું હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે, ત્યારે મત્સ્ય વિભાગે ત્રણ બંદરો પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ ગુજરાતના કચ્છના ત્રણ બંદરો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ની કલમ 7 હેઠળ નારાયણ સરોવર, જખૌ અને લખપત બંદર પર તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કચ્છ સરહદે શંકાસ્પદ ડ્રોન ધડાકાભેર તૂટી પડ્યું, સુરક્ષા એજન્સીએ તપાસ શરુ કરી
મત્સ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છના ત્રણ બંદરો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈ માછીમારો માછીમારી કરતા ઝડપાશે તો તેમના વિરૂદ્ધમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે. જ્યારે કોસ્ટ ગાર્ડને દરિયામાં રહેલી બોટને કાંઠા પર લાવવા સહિતની સૂચના આપવામાં આવી છે. આ મામલે માછીમારો મંડળ અને સંબંધિત સંસ્થાઓને લેખિતમાં માહિતી પૂરી પાડવામાં આવી છે.