ચંડોળાકાંડના મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીને ભાજપે જ છાવર્યો, બે વર્ષ સુધી કાર્યવાહી ન કરી: કોંગ્રેસ
Demolition at Chandola Lake: બાંગ્લાદેશી ઘૂષણખોરોએ અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ અડિંગો જમાવ્યો છે. આ વિસ્તારમાં ગેરકાયેદ રીતે વસાવવામાં કુખ્યાત લલ્લા બિહારીની મુખ્ય ભૂમિકા રહી છે. આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચંડોળાકાંડના મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીને ભાજપનો જ રાજકીય સહારો હતો. કોંગ્રેસ વિરોધી પ્રવૃતિ કરતો હોવાથી રાજકીય લાભ ખાટવા કુખ્યાત લલ્લા ખાનને ભાજપને છાવર્યો હતો, પરિણામે ચંડોળા તળાવની આસપાસ આખુય સામ્રાજ્ય ઊભુ કર્યુ હતું.
'બે વર્ષ જૂની ફરિયાદ છતાં કાર્યવાહી નહીં'
પહેલગામ નજીક આતંકી ઘટના બાદ ગણતરીના કલાકોમાં અમદાવાદ ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી 180 બાંગ્લાદેશી પકડાયાં હતાં એનો અર્થ એછે કે, પોલીસને બધીય ખબર હતી. તેવો આક્ષેપ કરતાં ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, 'ગુજરાતમાં ઘૂષણખોરો સામે જે કાર્યવાહી થઇ રહી છે તેને કોંગ્રેસ સમર્થન આપી રહી છે. પરંતુ બાંગ્લાદેશીઓના નામે નિર્દોષ પરિવારોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. ગરીબ કુટુંબોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યુ છે.'
આ પણ વાંચો: ચંડોળાથી એમ ડી ડ્રગ્સ લાવીને વેચાણ કરતો યુવક એસ જી હાઇવેથી ઝડપાયો
મહત્ત્વની વાત તો એછે કે, ભાજપના શાસનમાં ઘૂષણખોરો ગુજરાતમાં ઘૂસ્યા કેવી રીતે? ભાજપ સરકાર ગુજરાતની જનતાને જવાબ આપે. કોંગ્રસે એવા સવાલ ઊઠાવ્યાં કે, વર્ષ 2021 અને વર્ષ 2023માં વિપક્ષના નેતાએ લલ્લા બિહારીના ગેરકાયદે દબાણો તોડી પાડવા લેખિત રજૂઆત કરી હતી, તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે કેમ કોઈ કાર્યવાહી કરી નહી. આ પરથી સ્પષ્ટ થાય છે કે, રાજકીય લાભ ખાટવા માટે ભાજપ અસામાજીક તત્ત્વોને છાવરે છે. ભાજપના છૂપા આર્શિવાદ હોવાથી લલ્લા બિહારીએ ચંડોળા પર કબજો જમાવી દીધો હતો.
ચંડોળામાં મતદારો માટે અહેવાલ માંગ્યાં
ચંડોળા તળાવનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચ પણ રહી રહીને જાગ્યું છે. ચૂંટણી પંચે ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલાં મતદારો છે તે મુદ્દે અહેવાલ માંગ્યો છે. બુથ લેવલ ઓફિસરને દોડાવી માહિતી મંગાવી છે. હાલ લોકસભા, વિધાનસભા કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નથી, ત્યારે આખાય પ્રકરણમાં ચૂંટણીપંચે ઝૂકાવ્યુ છે આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશીઓ પાસે ચૂંટણી કાર્ડ કેવી રીતે આવ્યાં તે મામલે સરકારી તંત્ર પણ શંકાના ઘેરામાં આવ્યું છે.