ચંડોળાથી એમ ડી ડ્રગ્સ લાવીને વેચાણ કરતો યુવક એસ જી હાઇવેથી ઝડપાયો
એક ગ્રામ એમ ડી ચાર હજાર સુધીમાં વેચાણ કરતો હતો
અગાઉ એસઓજીએ પણ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી નિયમિત રીેતે ચંડોળાથી ડ્રગ્સ લાવતો હોવાનો ખુલાસો
અમદાવાદ,સોમવાર
એસ જી હાઇવે સીએનજી પંપ મકરબા પાસેથી ડીસીપી ઝોન-૭ના સ્ક્વોડના સ્ટાફે એક યુવકને એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે આ ડ્રગ્સનો જથ્થો ચંડોળાથી લાવીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોક્કસ ગ્રાહકોને પુરો પાડતો હતો.જેમાં એક ગ્રામ એમ ડી ડ્રગ્સ ત્રણ હજાર સુધીમાં વેચાણ કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.ડીસીપી ઝોન-૭ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર વાય પી જાડેજા અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કાજીમઅલી ઉર્ફે મુન્ના બાપુ સૈયદ ( હાજી જમાલનગર, મકરબા) નામનો યુવક એસ જી હાઇવે સીએનજી પેટેલ પંપ પાસે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઇને કોઇને આપવા માટે આવ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને કાજીમઅલીને ઝડપી લીધો હતો. પોલીસને તેની પાસેથી રૂપિયા ૩.૭૧ લાખની કિંમતનું ૩૭ ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ અંગે આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ચંડોળા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવીને તેના નિયમિત ગ્રાહકોને પ્રતિ ગ્રામ રૂપિયા ચાર હજાર સુધીમા વેચાણ કરતો હતો. પોલીસને આરોપી પાસેથી તેના ગ્રાહકોની નંબર અને નામ મળી આવ્યા છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.