વિસાવદર પેટા ચૂંટણી: આઠ વર્ષમાં ભાજપના કરોડપતિ ઉમેદવારની જંગમ મિલકત બમણી
Visavadar by-election : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર સાથે સોગંદનામા કર્યા છે. જે મુજબ ભાજપના ઉમેદવારની જંગમ મિલકતમાં આઠ વર્ષમાં બે ગણો વધારો થયો છે. જ્યારે સ્થાવર મિલકત પણ ત્રણેક કરોડ જેટલી વધી છે. 1 કરોડની બૅંકમાં એફડી છે તેમજ એકપણ વાહન તેના નામનું ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે 2017ની ચૂંટણી વખતે જે સોગંદનામું રજૂ કર્યું હતું તે મુજબ તેના હાથ પર રોકડ 8,27,604 દર્શાવી હતી. તેમજ પત્નીના નામે 33,754 જ્યારે આ વખતે પોતાના હાથ પરની રોકડ 9,67,084 અને પત્નીના નામે 35,781 એ જ રીતે 2017માં બૅંકમાં 31,98,888 તેમજ પત્નીના નામે 7,08,598 દર્શાવ્યા હતા. જ્યારે આ વખતે બૅંક ખાતામાં 1 કરોડની એફડી ઉપરાંત અલગ-અલગ ચાર બૅંકમાં 15 હજારથી માંડી 4.09 લાખ દર્શાવ્યા છે.
આ પણ વાંચો: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, નીતિન રાણપરિયાને આપી ટિકિટ
178 ગ્રામ પોતાનું અને 80 ગ્રામ પત્નીના નામે સોનું મળી કુલ 12,49,35,846 પોતાના નામે તથા 69,14,423ની જંગમ મિલકત પત્નીના નામે દર્શાવી છે. વર્ષ 2017માં પોતાના નામે 15,14,13,791 અને પત્નીના નામે 1,98,85,250ની સ્થાવર મિલકત દર્શાવી હતી. જ્યારે આ વખતે પોતાના નામની 1,85,85,9525 અને પત્નીના નામે 1,98,85,250ની સ્થાવર મિલકત હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આમ, આઠ વર્ષમાં ભાજપના ઉમેદવારની જંગમ મિલકત બેગણી થઈ છે જ્યારે સ્થાવર મિલકતમાં 3 કરોડ જેટલો વધારો થયો છે. 2017માં દેવું 33.54 લાખ હતું તે આ વખતે 45.10 લાખ દર્શાવ્યું છે. 2017માં 3 વાહન દર્શાવ્યા હતા, આ વખતે એકપણ વાહન દર્શાવ્યું નથી. કિરીટ પટેલ સામે 2017ના વર્ષમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટ અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો.