BJP Turmoil in Tapi District: તાપી જિલ્લા ભાજપ સંગઠનમાં હોદ્દાઓની વહેંચણી મુદ્દે ગંભીર વિખવાદ સામે આવ્યો છે. જિલ્લા પ્રમુખ દ્વારા પોતાના માનીતા અને અંગત માણસોના નામ જિલ્લા મહામંત્રી તરીકે નક્કી કરાતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે અનેક મોરચાના નિયુક્ત પ્રમુખોએ હોદ્દો સ્વીકારવાની સાફ ના પાડી દીધી છે.

વિવાદાસ્પદ નામોને સ્થાન મળ્યું
જિલ્લા પ્રમુખે સત્તાવાર જાહેરાત પહેલા જ પોતાના પસંદગીના લોકોને ફોન કરી અભિનંદન પાઠવવાનું શરૂ કરતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર અમિત પટેલ, હાલમાં જ ભાજપમાં જોડાનાર મૃણાલ જોશી, સુરજ વસાવા અને માંડવી વિધાનસભાથી અનિલ ચૌધરીનું નામ મહામંત્રી માટે નક્કી કરતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 6 લોકોના મોત : DGCA
નિયુક્ત હોદ્દેદારોનો પદ સ્વીકારવાનો ઇનકાર
જિલ્લા પ્રમુખે જ્યારે વિવિધ મોરચાના હોદ્દાઓ માટે ફોન કર્યા, ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો હતો. એક પછી એક ત્રણ મોટા નેતાઓએ હોદ્દા ઠુકરાવી દીધા છે. ઓબીસી મોર્ચાના પ્રમુખ માટે ટ્વિકંલ પટેલને જિલ્લા પ્રમુખ દ્વારા ફોન કરતા તેણે આ હોદ્દો સ્વીકારવાની ના પાડી દીધી હતી. જ્યારે જિલ્લા આદિજાતિ મોર્ચાના પ્રમુખ માટે ધવલ ચૌધરીને પ્રમુખ દ્વારા ફોન કરતા તેણે પણ હોદ્દો સ્વીકારવા ના પાડવામાં આવી અને જિલ્લા મહિલા મોર્ચાના પ્રમુખ માટે કલ્પનાબેન મિસ્ત્રીને જિલ્લા પ્રમુખ દ્વારા ફોન કરતા એમણે પણ હોદ્દો સ્વીકારવાની ના પાડી દીધી હતી.
પૈસાનું સેટિંગ કરીને મહામંત્રીના હોદ્દા વહેંચવાતા હોવાનો દાવો
તાપી જિલ્લા ભાજપમાં અત્યારે સૌથી વધુ ચર્ચા 'નાણાકીય લેવડ-દેવડ'ની થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લા પ્રમુખ દ્વારા પૈસાનું સેટિંગ કરીને મહામંત્રીના હોદ્દા વહેંચવામાં આવ્યા છે. ખાસ કરીને અમિત પટેલને મહામંત્રી બનાવવા માટે આ પ્રકારની ચર્ચા વધુ છે.
સામૂહિક રાજીનામાની તૈયારી
અમિત પટેલની સંભવિત નિમણૂકના સમાચાર વાયુવેગે ફેલાતા જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો સહિત સંગઠનના અનેક હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વફાદાર કાર્યકરોનું માનવું છે કે જો પ્રમુખના માનીતા અને વિવાદાસ્પદ લોકોને જ મહત્ત્વ અપાશે, તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પરાજયનો સામનો કરવો પડશે.


